વડોદરાઃ રસ્તા પર રોંગ સાઇડ પર વાહન ચલાવનારાઓને ભારે દંડની સજા થવી જોઈએ, કેમ કે ક્યારેક આવા વાહનચાલકો પોતે તો મુશ્કેલીમાં મુકાય છે, પણ એની સાથે એની બેજવાબદારીને કારણે અકસ્માતો થાય છે. જેથી અનેક લોકો મોતને શરણે થાય છે. શહેરમાં દરજીપુરા એરફોર્સ પાસે જીવલેણ અકસ્માત થયો છે. અહીં છકડાને કચડીને કન્ટેનર એરફોર્સની દીવાલમાં ઘૂસી ગયું હતું. આ જીવલેણ અકસ્માતમાં બે બાળકો સહિત દસ લોકોનાં મોત થયાં છે.આ દુર્ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ છકડામાં સવાર 12થી વધુ દર્શનાર્થીઓ પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે અમદાવાદ તરફ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રોંગ બાજુથી આવતા છકડાને કચડી માર્યો હતો. આ દુર્ઘટનાને પગલે એરફોર્સ, પોલીસ અને ફાયરબ્રિગેડ સહિત સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.દર્શનાર્થીઓ ગોલ્ડન ચોકડીથી છકડામાં બેસીને ઘર તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન આ મોટું કન્ટેઇનર રોંગ સાઇડ પરથી આવીને છકડાને અડફેટે લીધો હતો. સ્થાનિક અહેવાલ અનુસાર શહેરના દરજીપુરા એરફોર્સ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોના છકડામાં દબાઈ જવાથી મોત થયાં છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે છકડાના પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. આ અકસ્માતમાં મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એ સાથે જ સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.