અમદાવાદમાં વિજયાદશમી નિમિત્તે રાવણના પૂતળા બનાવે છે મુસ્લિમબંધુઓ

અમદાવાદઃ નવરાત્રિ, દુર્ગા પૂજા, દશેરાને ભારતમાં અને વિદેશોમાં હિંદુ સંસ્કૃતિમાં માનનારા લોકો પોતાની આસ્થા, શ્રધ્ધા અને  પરંપરા અનુસાર ઉજવે છે.

નવરાત્રિ પૂરી થાય એટલે વિજયાદશમીની તૈયારીઓ શરૂ થઇ જાય. દશેરાના દિવસે ઠેર ઠેર રાવણને દહન કરવા માટે વિશાળ મેદાનોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

મોટે ભાગે સંધ્યા સમયે રાવણના પૂતળાને બાળી એમાંથી થતી આતશબાજી જોઇને લોકો વિજયાદશમીનો આનંદ લેતા હોય છે. પણ..આ રાવણને અમદાવાદ શહેરમાં કોણ બનાવે છે…અને ક્યાં બનાવે છે..? એ પ્રશ્ન જરૂર થાય…

શહેરના રામોલ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનની સામે ખાનવાડીમાં વર્ષોથી રાવણ બનાવતા કારીગરો વસે છે. 

ગુજરાતમાં જુદા જુદા ઠેકાણે દશેરાના ઉત્સવ માટે રાવણદહન સહિતના કાર્યક્રમોની સામગ્રી તૈયાર કરતા શરાફત અલી ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘અમે મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાના છીએ. મારા પિતાજી હાજી અશરફ અલી 60 વર્ષથી રાવણના પૂતળા બનાવવાનું કામ કરે છે. હું પણ છેલ્લા 30 વર્ષથી ગુજરાત રાજ્યના જુદા જુદા શહેર માટે વિજયાદશમીના કાર્યક્રમ માટે રાવણ સહિતના પાત્રો તૈયાર કરું છું. આગ્રાથી કારીગરોની ટીમ અમારી સાથે ખાનવાડીના અમારા ગોડાઉનમાં રાવણ અને બીજા પૂતળાના  જુદા જુદા ભાગ તૈયાર કરી, શહેરના જે કોઈ મેદાનમાં કાર્યક્રમ હોય ત્યાં સંપૂર્ણ સજાવટ કરી આપે છે.’

‘અમારા કારીગરો રાવણ તૈયાર કરવામાં બાંબૂ વાંસ, કલર, કાગળ, ડિઝાઇન ચળકાટવાળા કાગળ જેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે. સંસ્થાઓ કે મંડળોની માંગ મુજબના આકાર અને કદમાં અમે રાવણ તૈયાર કરી આપીએ છીએ. અમે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડિયાદ, વડોદરા જેવા નાના મોટા ગુજરાતના ત્રીસ જેટલા શહેરોમાં રાવણદહનના કાર્યક્રમ માટે પૂતળા આ વર્ષે તૈયાર કર્યા છે.’

શરાફત અલી વધુમાં કહે છે, વિજયાદશમી ‘બુરાઇ પર સચ્ચાઇની જીત’નો ઉત્સવ છે અને  અમે ભલે મુસ્લિમ છીએ પણ હિંદુ ભાઇઓના તહેવારોમાં અમારું યોગદાન આપવાનું અમને ગમે છે. કોરોના વખતે પરવાનગીઓ અને બંધનોના કારણે અમને બહુ તકલીફો પડી હતી. આ વર્ષે લોકો દરેક ઉત્સવને ઉત્સાહથી ઉજવે છે. અમારા તમામ કારીગરો પણ 30 જેટલા કાર્યક્રમો માટે તૈયારી કરી રહ્યા છે. આ વર્ષે મોટી સંખ્યામાં દશેરાના દિવસે રાવણના અનેક વિશાળ પૂતળા દહન જોવા મળશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)