જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત-પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ ઉચ્ચ સ્તરની સતર્કતા અપનાવી છે. સરહદી વિસ્તારોમાં ચેકિંગ અને નિરીક્ષણની પ્રક્રિયા તીવ્ર બનાવવામાં આવી છે. ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા આર.ઈ. પાર્ક, જ્યાં સોલાર પ્રોજેક્ટ માટે મોટી સંખ્યામાં શ્રમજીવીઓ કામ કરે છે, તે પ્રતિબંધિત વિસ્તાર છે. અહીં પ્રવેશ માટે વિશેષ મંજૂરીની જરૂર હોય છે. ખાવડા પોલીસ દ્વારા આ વિસ્તારમાં આવતા-જતા તમામ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ખાવડા પોલીસ ઈન્સ્પેકટર વી.બી. પટેલના જણાવ્યા મુજબ, કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ શરૂ કરાઈ છે.
સીમા સુરક્ષા દળ (બીએસએફ) દ્વારા વિઘાકોટ, ધર્મશાળા, ભેડીયાબેટ, હરામીનાળા, કોરીક્રીક, પીરસવાઈ, બેલા અને જખૌ જેવા મહત્વના સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે. આ ઉપરાંત, ભુજ રેલવે પ્રોટેક્શન ફોર્સના ઈન્સ્પેક્ટર મોહન ખીચીએ જણાવ્યું કે ભુજ, અંજાર અને ગાંધીધામ સહિતના રેલવે સ્ટેશનો પર આવતી-જતી ટ્રેનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓને અજાણી વસ્તુઓથી દૂર રહેવા અને આવી વસ્તુઓની જાણ પોલીસને કરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ માટે માઈક દ્વારા સતત જાહેરાતો પણ કરવામાં આવે છે.
કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી ચેકપોસ્ટ પર 24 કલાક વાહનોની તપાસ ચાલુ છે, એમ પોલીસ ઈન્સ્પેકટર વી.કે. ગઢવીએ જણાવ્યું. સરહદી જિલ્લો હોવાથી અહીં ઘુસણખોરી અને ડ્રગ્સ જપ્ત થવાની ઘટનાઓ વારંવાર બને છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ બેદરકારી ન રહે તે માટે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સજ્જ છે.
