અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટીમાં 21 જૂન, 2022એ નેચર પાર્કમાં સવારે 7થી 9માં યોગ દિવસની ઉજવણી કરાશે. યોગ અને તેના ફાયદા વિશે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત સાયન્સ સિટીના અધિકારીઓ અને સભ્યો પણ જોડાશે.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર પછી વિવિધ પ્રાણાયામ (અનુલોમ-વિલોમ, નાડી શોધ, વગેરે) અને યોગાસન (ચક્રાસન, ભુજંગાસન, વગેરે)નું નિદર્શન કરશે. યોગ રોગ નિવારણ, આરોગ્ય પ્રોત્સાહન અને જીવનશૈલીના ઘણા વિકારોના સંચાલન માટે જાણીતું છે.
રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત સાયન્સ સિટી જનસમુદાયને વિજ્ઞાન સાથે જોડાવા પ્રયત્નશીલ છે. વૈજ્ઞાનિક અભિગમ કેળવી શરીર વિજ્ઞાનને પણ મહત્ત્વ આપતા સાયન્સ સિટીમાં વિશાળ જગ્યામાં પથરાયેલા નેચર પાર્કમાં ખાસ યોગા સ્પેસ પણ છે.