સ્કૂલ વાહનોના ભાડામાં થયો વધારો..

ઉનાળુ વેકેશન પૂર્ણ થવાના આરે છે. અને થોડા જ સમયમાં શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થશે. જેને લઈ તમામ શાળા સહિત વાલીઓ પણ નવા શૈક્ષણિક વર્ષની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વાલી માટે ખરાબ સમાચાર મળી રહ્યા છે.

આગામી 13 જૂનથી શાળાઓ શરૂ થઈ રહી છે તે પહેલાં જ વાલીઓને મોટો ઝટકો લાગ્યો છે. બાળકોના સ્કુલ વાહનોમાં ભાડા વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર શાળાની શરૂઆત થયા પહેલા જ સ્કૂલ વેન અને રિક્ષાના ભાડમાં લગભગ 20 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. હાલ સુધી સ્કૂલ વેનના કિલોમીટર દીઠ 1 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા, જે હવે વાલીઓએ 1200 રૂપિયા ચૂકવવા પડશે. સ્કૂલ વર્ધી એસોસિએશનની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

સ્કૂલ વર્ધી એસોસિયેશનની કારોબારીની બેઠક યોજાઈ હતી તેમાં આ ભાડા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વેન અને રીક્ષાના ભાડામાં 20 ટકા જેટલો ભાડા વધારો કર્યો છે. અમદાવાદમાં 15,000 અને રાજ્યભરમાં 50,000 થી વધુ સ્કૂલ વેન અને રીક્ષા દોડી રહી છે. તેવામાં નવા શૈક્ષણિક સત્રથી આ ભાવ વધારો અમલીકરણ કરી દેવામાં આવશે. છેલ્લે 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે હવે ફરી ત્રણ વર્ષે ભાવ વધારો કરવામાં આવ્યો છે.