રાજ્યમાં છૂટાછવાયો વરસાદઃ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ બંગાળના ઉપસાગરમાંથી બે વરસાદી સિસ્ટમ સર્જાતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કરવામાં આવી છે, એમાં પણ 15, 16 અને 17એ  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,  જ્યારે 18, 19 અને 20 જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદ વરસશે.

રાજ્યમાં હાલ ક્યાક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગરના મહુવામાં ધોધમાર પાંચ ઇચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ઉમરપાંડામાં બે ઈંચ, બારડોલી, ડેડિયાપાડા, વલસાડ અને ખેરગામમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના કેશોદમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.

ગોધરામાં ધોધમાર વરસાદ

મઘ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે અહીં જનજીવન પણ પ્રભાવિત થયું છે. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોધરા વિસ્તારમાં આવેલી નીચાણવાળી સોસાયટીમાં પણ પાણી ભરાયાં હતાં. નવસારીમાં 24 કલાકમાં વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. ગણદેવીમાં 3 અને ખેરગામમાં દોઢ ઇચ પણ ઝીંકાયો હતો.