ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે અહીં ગુજરાત વિધાનસભામાં આયોજિત વિશેષ સત્રમાં વિધાનસભ્યોને સંબોધિત કર્યા હતા. એમણે કહ્યું કે વિધાનસભ્યો એમનાં પોતપોતાનાં મતવિસ્તારની જનતાનાં તેમજ રાજ્યના પ્રતિનિધિ છે, પરંતુ વધારે મહત્ત્વની બાબત એ છે કે આ લોકપ્રતિનિધિઓને જનતા પોતાનાં ભાગ્યના નિર્માતા તરીકે ગણે છે. જનતાની આશા અને અભિલાષા લોકપ્રતિનિધિઓની સાથે જોડાયેલી છે. તેથી જનતાની અભિલાષાને પરિપૂર્ણ કરવા માટેના પ્રયાસોને લોકપ્રતિનિધિઓએ સર્વોચ્ચ પ્રાધાન્ય આપવું જોઈએ.
કોવિંદે કહ્યું કે, મારું સૌભાગ્ય છે કે રાષ્ટ્રપતિ તરીકે મને બાપૂની જન્મભૂમિ, ગુજરાતની આ પાવન ધરતીની મુલાકાત લેવાના અનેક અવસરો પ્રાપ્ત થયા છે. આ એક મહત્ત્વપૂર્ણ સંયોગ છે કે ગુજરાત વિધાનસભામાં આજનો સમારોહ એવા સમયે યોજાયો છે જ્યારે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. મહાત્મા ગાંધીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું વિલક્ષણ નેતૃત્ત્વ કર્યું હતું એટલું જ નહીં, પણ સમગ્ર વિશ્વને એક નવી રાહ, નવી વિચારસરણી પ્રદાન કર્યા હતા. ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ ભૂમિને સત્યાગ્રહની ધરતી પણ કહેવામાં આવે છે. બારડોલી સત્યાગ્રહથી સરદાર પટેલના રૂપમાં એક મહાન જન-નાયકનો પણ ઉદય થયો હતો.
કોવિંદે વધુમાં જણાવ્યું કે નર્મદા નદીના કાંઠે સરદાર પટેલની 182 મીટર ઊંચી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, પરંતુ દેશવાસીઓના હૃદયમાં સરદાર પટેલનું કદ એનાથી પણ ઉંચું છે. એક નવા રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના કરાઈ ત્યારથી આ વિધાનસભાએ રાજ્યના સમગ્ર વિકાસ માટે અનેક પગલાં લીધાં છે.
‘છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસનું ગુજરાત મોડેલ એક અનુકરણીય દ્રષ્ટાંતના રૂપમાં જોવામાં આવે છે. વિકાસનું આ મોડેલ દેશના કોઈ પણ ક્ષેત્ર કે રાજ્યમાં કાર્યાન્વિત કરી શકાય છે. ગુજરાતનાં લોકોનો દેશપ્રેમ વિશ્વ વિખ્યાત છે. ગુજરાતી સમુદાયનાં લોકો આખા વિશ્વમાં રહે છે, પરંતુ પોતાની માતૃભૂમિ ભારત સાથે કાયમ સંકળાયેલા રહે છે,’ એમ કોવિંદે વધુમાં કહ્યું હતું.