રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજનું નિધન

રાજકોટઃ ગુજરાતના રાજ્યસભાના સંસદસભ્ય અને રાજકોટના ભાજપના નેતા અભય ભારદ્વાજનું કોરોના વાઇરસની સારવાર દરમિયાન આજે નિધન થયું છે. તે 66 વર્ષના હતા. ગયા જૂન મહિનામાં તે ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા. કોરોના વાઈરસ લાગુ પડ્યા બાદ એમને રાજકોટની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં એક મહિનો રખાયા બાદ એમની તબિયત લથડતાં તેમને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભારદ્વાજના નિધન અંગે વડા પ્રધાન મોદીએ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડા પ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું છેઃ ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજજી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા. તે વાતનું દુઃખ છે કે આપણે એક તેજસ્વી અને વિચારશીલ વ્યક્તિને ગુમાવી દીધા છે. રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે જુસ્સાદાર. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ સંવેદના. ઓમ શાંતિ.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અંગત મિત્ર

અભય ભારદ્વાજ રાજકોટ ભાજપના કાર્યકર્તા તેમ જ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અંગત મિત્ર હતા. તેઓ રાજકોટ શહેરના જાણીતા વકીલ પણ હતા. રાજકોટ બાર એસોસિયેશનમાં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતા. કાયદા પંચમાં તેમની નિમણૂક વડા પ્રધાને કરી હતી. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણક પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ તેમણે સેવા આપી હતી. વકીલાતના વ્યવસાયમાં સફળતા મેળવનાર અભયભાઈની નીચે 210 જેટલા જુનિયર વકીલો હતા. તેમણે બ્રાહ્મણોમાં એકતા લાવવા પરશુરામ યુવા સંસ્થાની સ્થાપના કરી હતી.

23 વર્ષની ઉંમરે રાજકારણમાં ઝંપલાવ્યું હતું

1977માં જનતા પાર્ટીના શાસન વખતે 23 વર્ષની વયે ભારદ્વાજ રાજકોટ શહેર જિલ્લા જનતા પક્ષના મંત્રી બન્યા હતા. તેઓ ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા તથા અખિલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું.