કિસાનો-સરકાર વચ્ચેની બેઠક સમાધાનવિહોણી રહી; ગુરુવારે ફરી મળશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશભરમાં લાગુ કરેલા નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના સીમાવિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી આંદોલન કરી રહેલા કિસાનોના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે વિજ્ઞાન ભવન ખાતે બપોરે યોજાઈ ગયેલી બેઠક અધૂરી રહી છે. બંને પક્ષ સમાધાન સાધવામાં નિષ્ફળ ગયા છે. કૃષિ કાયદાને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવાનો સરકારનો પ્રસ્તાવ કિસાનોએ ફગાવી દીધો છે.

આંદોલનકારી કિસાનોના 32 યૂનિયન પંજાબના કિસાનોના છે. આજની બેઠકમાં હરિયાણાના કિસાનોના બે પ્રતિનિધિ તેમજ ઉત્તર પ્રદેશના એક અન્ય કિસાન નેતા હાજર રહ્યા હતા. આજની બેઠકમાં હાજર રહેલા કિસાન નેતાઓએ સરકારનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. એમણે સ્પષ્ટપણે કહી દીધું કે સરકાર નવા કૃષિ કાયદાઓને રદ કરે અને તે વિશે અમે કોઈ ચર્ચા કરીશું નહીં. અમારું આંદોલન ચાલુ જ રહેશે.

બેઠક બાદ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે પત્રકારોને કહ્યું હતું કે આજે કિસાન યૂનિયનના નેતા આવ્યા હતા. બેઠક સારી રહી હતી. કેન્દ્ર સરકારે ત્રીજા તબક્કાની ચર્ચા આજે પૂરી કરી. અમે બધાએ નિર્ણય લીધો છે કે પરમ દિવસે, ગુરુવારે ચર્ચાનો ચોથો દોર શરૂ કરીશું. અમે કિસાનોને અપીલ કરી છે કે તેઓ એમનું આંદોલન સ્થગિત કરે અને ચર્ચા કરવા આવે. તે છતાં આ નિર્ણય કિસાનોના યૂનિયન અને કિસાનોએ લેવાનો છે.