અમદાવાદ: 70 દિવસ બાદ દેશમાં ચૂંટણીનો માહોલ ફરી સર્જાવા જઈ રહ્યો છે. રાજ્યસભાની આગામી ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કારણે મુલતવી રાખવામાં આવેલી રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.
ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત દેશભરમાં કુલ 18 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. 19 જૂને સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે.
ગુજરાતની 4 બેઠકો પર 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી કરી છે જ્યારે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે.