મુંબઈના શ્રમિકોને પ્રેમનો સ્પર્શ એટલે ‘સર્કલ ઓફ લવ એન્ડ કેર’

અમદાવાદઃ કોરોના વાઇરસના સંકટને કારણે દેશભરમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન છે. આ લોકડાઉનને પગલે સૌથી વધુ કફોડી હાલત શ્રમિકો, દૈનિક મજૂરો અને પ્રાણીઓની થઈ છે. આ ઉપરાંત અનેક ફ્રન્ટલાઇનર્સ, દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આવા મુશ્કેલીના સમયમાં શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર સંસ્થા વહારે આવી છે. આ સંસ્થાના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી તેમની સુરક્ષા અને સહાય માટે વિશ્વભરમાં ફેલાયેલા 2000થી વધુ સ્વયંસેવકો દ્વારા વિશ્વનાં 50 શહેરોમાં રાહતકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરનું ‘સર્કલ ઓફ લવ એન્ડ કેર’ અભિયાન એટલે નિઃસ્વાર્થ સેવાભાવ.

માત્ર પાંચ કલાકમાં 25,000થી વધુ થેપલાંનું મજૂરોને વિતરણ

કેન્દ્ર સરકારે પ્રવાસી મજૂરોને વતન ફરવા માટે શ્રમિક ટ્રેનો શરૂ કરી હતી. કોરાનાના સંક્રમણને કારણે હોટસ્પોટમાંના મુંબઈમાં આ શ્રમિકોનો વતન પરત ફરવા ભારે ધસારો થયો હતો. શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેરના મુંબઈભરના સ્વયંસેવકોએ આ પ્રવાસી મજૂરો માટે પોષક ફૂડ પેકેટ્સ તૈયાર કરીને પહોંચાડવાનું શરૂ કર્યું હતું. તેમણે કલ્યાણ સ્ટેશને માત્ર પાંચ કલાકમાં 25,000થી વધુ થેપલાં તૈયારીને મજૂરોને વિતરણ કર્યું હતું.

સેવાભાવથી 2,65,000 શ્રમિકોને લાભ

શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરના સ્વયંસેવકોએ સમગ્ર મુંબઈના મુખ્ય રેલવે સ્ટેશનો, ટોલ નાકા, બસ ડેપો, સીએસટી, વર્લી, અંધેરી, બોરીવલી, દહિસર, ભાયંદર, સાયન, કુર્લા, થાણે અને કલ્યાણમાં લાખ્ખો શ્રમિકોને 10 દિવસમાં 4,80,000 થેપલાં, 85,000 બિસ્કિટ અને નાસ્તાનાં પેકેટસ, 60,000 ફ્રૂટી વગેરે પીણાંઓનું વિતરણ કર્યું હતું. આ સેવા ભાવથી 2,65,000 શ્રમિકોને લાભ થયો હતો.

કોર્પોરેશને શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેરનો સંપર્ક કર્યો

આ વ્યાપક અને તાત્કાલિક  સહાય જોઈને મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના અધિકારીઓ, સ્થાનિક પોલીસ સ્ટેશનો, સરકારી કર્મચારીઓ, તથા તહેસીલદારો શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરને ત્વરિત સહાય કરવા માટે સંપર્ક કરી રહ્યા હતા. આના ભાગરૂપે BMCના અધિકારીઓએ સીએસટી સ્ટેશન પર આવેલા 1500 જેટલા ભૂખ્યા શ્રમિકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે સંસ્થાનો સંપર્ક કર્યો હતો. સંસ્થાના કર્મચારીઓએ જ્યાં સુધી આ શ્રમિકો માટે ફૂડ પેકેટ્સ તૈયાર થાય એ પહેલાં તેમને વચગાળાની રાહત માટે તાત્કાલિક બિસ્કિટનાં પેકેટ્સ પહોંચાડ્યાં હતા.

રેલવેના અધિકારીઓ પણ ટ્રેનોની રાહ જોતા શ્રમિકો માટે સમયસર ફૂડ પેકેટ્સ માટે સંસ્થાનો નિયમિત રીતે સંપર્ક સાધી રહ્યા છે. શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેરના સ્વયંસેવકો ટૂંકા સમયમાં આ અભિયાનને સફળ બનાવી રહ્યા છે. સંસ્થાના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ પૂજ્ય રાકેશભાઈ કહે છે કે સેવાના ત્રણ ઘટકો છે – નિષ્ઠાપૂર્ણ સેવાનો હેતુ, સમૂહ ભાવનાની શક્તિ અને ઈશ્વરીય સહાય… અને ‘સર્કલ ઓફ લફ એન્ડ કેર’ નિઃશંકપણે આ જ પરિબળોથી ચાલી રહ્યું છે.

આમ શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરનું ‘સર્કલ ઓફ લવ એન્ડ કેર’ અભિયાન નિઃસ્વાર્થ સેવાની ભાવનામાં અનેક લોકોની જોડીને મુંબઈગરા અને શ્રમિકો વચ્ચે એક મજબૂત સેતુરૂપ બની ગયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]