નવરાત્રિમાં વિઘ્ન બન્યો વરસાદ, જાણો ક્યા-ક્યા શહેર થઈ મેઘ મહેર

ગુજરાતમાં ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. એક બાજું નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે. ત્યારે બીજી બાજું રાજ્યમાં અમુક વિસ્તારમાં મેઘરાજાએ દસ્તક આપી છે. નવરાત્રિના માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, મહુવા, ગીર સોમનાથ અને દીવ સહિત અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવરાત્રિમાં વરસાદ વરસતા ખેલૈયા અને આયોજકોની મજા બગડી છે.

ગુજરાતમાં ફરી એક વખત વરસાદના આગમનથી નવરાત્રિના અનેરા આનંદમાં ભંગ પડી ગયો છે. કેટલીક જગ્યાએ ગરબીઓ પાણીમાં તરબોળ થઈ ચૂકી છે. આ ઉપરાંત ડેકોરેશનમાં પણ ઘણું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. અમરેલીમાં નવરાત્રિમાં જ વરસાદ વિલન બન્યો છે. ખાંભા શહેર અને ગામ્યમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. સમઢીયાળા, અનિડા, ઈંગોરાળામાં વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેલૈયા અને આયોજકોની મજા બગડી છે, ત્યારે બીજી તરફ ખેડૂતોના સોયાબીન, મગફળી અને તલના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. ભાવનગરના મહુવા શહેર અને તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઊંચા-નીચા કોટડા ગામ સહિત કટિકડા, ભાટીકળા, દયાલ અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. મહુવા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો અને બે દિવસથી ભયંકર બફારા બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળમાં ભારે વરસાદથી ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગડી છે. ત્યારે દીવ ખાતે પણ આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોર બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે.