અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણી આડે હવે માંડ થોડા મહિના બાકી છે, ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીપ્રચારમાં ઝુકાવ્યું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ રાજ્યની મુલાકાતે છે. તેઓ રાજ્યમાં ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરશે.
અમદાવાદ રિવરફ્રન્ટમાં કોંગ્રેસના રાષ્ટ્ર્રીય નેતા રાહુલ ગાંધી બૂથ સ્તરના નેતાઓને સંબોધન કરશે. ત્યાર બાદ તેઓ પરિવર્તન સંકલ્પ યાત્રામાં કોંગ્રેસના ૫૨,000 બૂથ કાર્યકરોને રાહુલ ગાંધી સંબોધશે. આ કાર્યક્રમમાં અશોક ગેહલોત પણ હાજર રહેશે. ત્યાર બાદ રાહુલ ગાંધી બપોરે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને રાહુલ ગાંધી પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાંથી તેઓ સીધા દિલ્હી જવા રવાના થશે.
https://twitter.com/INCGujarat/status/1566676441168678913
રાહુલ ગાંધી સાથે દિગ્ગજ નેતાઓમાં અશોક ગેહલોત, રઘુ શર્મા અને જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે.
જોકે ગુજરાત કોંગ્રેસમાં પક્ષપલટો અને જૂથવાદ ચરમસીમાએ છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ટાણે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના યુથ કોંગ્રેસના વડા વિશ્વનાથસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. તેમણે એક પત્રમાં કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું હતું કે મારા જેવા હજારો યુવાનો પક્ષમાં સમય વેડફે છે. પક્ષમાં જૂથવાદને કારણે દુશ્મનો પેદા થાય છે. જનતાએ પક્ષને ખૂબ તકો આપી, પણ પક્ષ નિષ્ફળ. વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામાની શરૂઆતમાં જ લખ્યુ છે કે હું મારી જાતને કોંગ્રેસ પક્ષમાંથી મુક્ત કરું છું.