કેજરીવાલ પછી રાહુલની જનતાને ‘ચૂંટણી’નાં વચનોની લહાણી

અમદાવાદઃ કોંગ્રેસના રાહુલ ગાંધી હાલ અમદાવાદના પ્રવાસે છે. તેમણે રિવરફ્રન્ટ આયોજિત સંકલ્પ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.તેમણે ભાજપ પર અનેક પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરોની લડાઈ કોઈ રાજકીય પક્ષ સામે નહીં, પરંતુ એક વિચારધારા સામે છે, જેની સામે સરદાર પટેલ લડ્યા હતા. ગઈ વખતની ચૂંટણીમાં એવું કહેવાતું હતું કે કોંગ્રેસ પાર્ટી ચૂંટણીજંગમાં ક્યાંય નથી, પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપને બરાબરની ટક્કર આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો સરકાર ખેડૂતોનાં રૂ. ત્રણ લાખ સુધીનાં દેવાં માફ કરશે, 3000 યુનિટ મફત વીજળી આપશે, ઘરેલુ ગેસ સિલિન્ડર રૂ. 500માં આપવા સહિત અનેક વચનોની લહાણી કરી હતી.

રાજ્યમાં રૂપાણી સરકારને રાતોરાત બદલી કાઢવામાં આવી હતી, કેમ કે ભાજપે પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર સિવાય જનતાને આપ્યું નથી. તેમણે સવાલ કર્યો હતો કે સરદાર પટેલ હયાત હોત તો તેમણે ઉદ્યોગપતિઓનાં દેવાં માફ કર્યાં હોત કે પછી ખેડૂતોનાં? કોંગ્રેસે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, કર્ણાટકમાં ખેડૂતોનાં દેવાં માફ કર્યાં છે, પક્ષને જ્યાં પણ સત્તા મળી ત્યાં પહેલું કામ ખેડૂતોનાં દેવા માફ કરવાનું કર્યું છે. તે જ રીતે, ગુજરાતમાં પણ રૂ. ત્રણ લાખ સુધીનું દરેક ખેડૂતનું દેવું માફ કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મોત થયાં. શું સરકારે કોઈ વળતર આપ્યું?કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અમે રૂ. ચાર લાખનું વળતર આપીશું. અમે 10 લાખ યુવાનોને રોજગાર આપીશું, એમ તેમણે કહ્યું હતું.

ગુજરાત માદક દ્રવ્યો (ડ્રગ્સ)નું સેન્ટર બની ગયું છે, અને તમામ ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી જ પકડાય છે છતાંય સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. કરોડો રૂપિયાનું ડ્રગ્સ મુંદ્રા પોર્ટ પરથી મળે તો પણ ગુજરાતમાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં ચાર-પાંચ ઉદ્યોગપતિઓને બાદ કરતાં કોઈને લાભ નથી થયો. આખું રાજ્ય તેમને હવાલે કરી દેવામાં આવ્યું છે.