રાજ્યમાં પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં હાલ અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આઠ અને નવ સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. બીજી તરફ વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે.

હવામાન વિભાગનાં ડિરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે  આગામી પાંચ દિવસ રાજ્યમાં ઓછોવત્તો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસવાની વકી છે.રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 102 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 157.12 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.70 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 85.58 ટકા, સૌરાષ્ટ્રમાં 90.10 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.66 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ જલાલપોરમાં ચાર ઇંચ વરસાદ, વલસાડમાં બે ઇંચ, નવસારીમાં એક ઇંચ, વાપીમાં એક ઇંચ, ખેરગામમાં એક ઇંચ વરસાદ અને પારડી તેમ જ ઉમરગામમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં બીજું દબાણ સર્જાવાની તૈયારી છે.જેથી 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરે રાજ્યમાં ફરી વાર વરસાદ થવાની શક્યતા છે.