છેલ્લા એક વર્ષથી ભારતમાં વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આવા જ એક બનાવમાં આજે અમદાવાદ એરપોર્ટ પર લંડનથી આવી રહેલી ફ્લાઇટને બોમ્બની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ ધમકીની અસર માત્ર આ ફ્લાઇટ પૂરતી સીમિત ન રહી, પરંતુ અન્ય વિમાનોની કામગીરી પર પણ પડી હતી.
જાણવા મળ્યું છે કે લંડનથી અમદાવાદ આવતી આ ફ્લાઇટના ટોઇલેટમાં એક લેટર મળી આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે બે કલાકમાં ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આની જાણ થતાં જ અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ ડિટેક્શન સ્કવોડે તાત્કાલિક ફ્લાઇટની તપાસ શરૂ કરી. ઝીણવટભરી તપાસ બાદ ફ્લાઇટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં, જેને પગલે આ ધમકીને અફવા જાહેર કરવામાં આવી. હવે સુરક્ષા એજન્સીઓ આ અફવા કોણે અને કેમ ફેલાવી તેની તપાસમાં જોડાઈ ગઈ છે.
આ ઘટનાને કારણે અમદાવાદ એરપોર્ટ પર અન્ય વિમાનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. ખાસ કરીને, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જે ચાર્ટર્ડ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેને ઉતરવામાં વિલંબ થયો. લંડનથી આવેલી ફ્લાઇટનું ચેકિંગ પૂર્ણ થયા બાદ જ તેમના વિમાનને એરપોર્ટ પર લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી હતી.
