નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા નગરસ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ને જોડતી આઠ ટ્રેનોને આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેનો કેવડિયાને દેશના જુદા જુદા ભાગ સાથે જોડે છે. કોઈ એક સમાન સ્થળને જુદા જુદા ઘણા સ્થળો સાથે જોડતી ટ્રેનોને એક જ સાથે લીલી ઝંડી બતાવવામાં આવી હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. આ ટ્રેનો શરૂ થવાથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ પર્યટન સ્થળ જવા માગતા પર્યટકો માટે લાભદાયી બનશે અને કેવડિયાના સ્થાનિક આદિવાસી સમાજના વિકાસ માટે મદદરૂપ થશે. આ આઠ ટ્રેનો કેવડિયાને અમદાવાદ, મુંબઈ, વારાણસી, હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), રેવા, ચેન્નાઈ અને પ્રતાપનગર સાથે જોડશે.
09247/48 અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક), 09103/04 કેવડિયા-વારાણસી મહામાના એક્સપ્રેસ (સાપ્તાહિક), 02927/28 દાદર-કેવડિયા એક્સપ્રેસ (દૈનિક), 09145/46 હઝરત નિઝામુદ્દીન-કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (સપ્તાહમાં બે વાર), 09105/06 કેવડિયા-રેવા એક્સપ્રેસ (સાપ્તાહિક), 09119/20 ચેન્નાઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક), 09107/08 પ્રતાપનગર-કેવડિયા મેમૂ ટ્રેન (દૈનિક) અને 09109/10 કેવડિયા-પ્રતાપનગર મેમૂ ટ્રેન (દૈનિક). અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એક વિસ્ટા-ડોમ ટૂરિસ્ટ કોચ છે, જેમાંથી પ્રવાસીઓને આકાશનું પણ દર્શન થશે.