સૌરાષ્ટ્ર-તમિળ સંગમના સમાપન સમારોહમાં હાજર રહેશે PM મોદી

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 એપ્રિલે રાજ્યની મુલાકાતે આવશે. તેઓ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્યની મુલાકાતે આવવાના છે. સોમનાથમાં યોજાનારા સૌરાષ્ટ્ર તમિળ સંગમ કાર્યક્રમ કાર્યક્રમના સમાપન સમારોહમાં મોદી આવશે. તેઓ 17 એપ્રિલે શરૂ થઈ રહેલા આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં આવવાના હતા, પરંતુ તેમની આ મુલાકાત અમુક કારણોસર મોકૂફ રહી હતી.

તામિલનાડુના થાંજાવુર અને કાંચીપુરમ વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાંથી 1000 વર્ષ પૂર્વે હાથવણાટના કારીગરો રોજગારી અર્થે સ્થાયી થયા હતા. તેમને ગુજરાત સાથે ફરીથી જોડવાના ભાગરૂપે  રાજય સરકારે આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.આ સિવાય કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા તામિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ પણ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ફક્ત બે પ્રદેશોનો સંગમ નથી, પરંતુ બે પ્રદેશોની કલા અને સંસ્કૃતિનો પણ અનોખો સંગમ છે. સોમનાથ સાગર દર્શનના પ્રાંગણમાં યોજાઈ રહેલા ઉત્સવમાં ગુજરાત અને તમિલનાડુના 65 કલાકારો-કારીગરોની કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ શરૂ રહ્યું છે. આ પ્રદર્શનમાં અમદાવાદના કલાકાર સલીમ શેખે 3200 ખીલીમાંથી તૈયાર કરેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. પેન્સિલ અને દીવાસળીની કલાકૃતિ તૈયાર કરવાં માટે જાણીતા સલીમ શેખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આબેહૂબ કલાકૃતિ તૈયાર કરી છે.