હીરાબાના આશીર્વાદ લેવા આવતીકાલે નરેન્દ્ર મોદી ગુજરાત આવશે, જનસભા અમદાવાદમાં..

0
2747

અમદાવાદ- લોકસભાની ચૂંટણીમાં ભાજપને એકલા હાથે સ્પષ્ટ બહુમતી અપાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ બીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. જો કે શપથવિધિ પહેલાં નરેન્દ્ર મોદી 26 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. જ્યાં સીએમ રુપાણી અને ટોચના નેતાઓ સહિત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

એરપોર્ટ પર જ આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરશે, ત્યારબાગ શાહીબાગ ડફનાળાથી રિવરફ્રન્ટ થઈને ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે જ્યાં 5:30 વાગ્યે જનસભાને સંબોધન કરશે.

સભા બાદ ગાંધીનગર માતા હીરાબાને મળવા જશે. જ્યાં તેઓ માતા હીરાબાને પગે લાગી તેમના આશીર્વાદ લેશે. માતાની સાથે થોડો વખત રહ્યાં બાદ તેઓ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. અને બીજા દિવસે સવારે 8 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજભવનમાં રાત્રિ રોકાણ દરમિયાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ટોચના નેતાઓ સાથે બેઠક કરી શકે છે. ભૂતકાળમાં સરકાર અને સંગઠન વચ્ચે જે સંકલનનો અભાવ રહ્યો હતો. તેનું હવે ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે અંગે પણ ચર્ચા થઈ શકે છે.