CWC બેઠકમાં રાહુલ ગાંધીના રાજીનામાંની પેશકશનો અસ્વીકાર…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પાર્ટીમાં હલચલ છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે થયેલી બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામાંની પેશકશ કરી હતી. જો કે પાર્ટીએ રાહુલ ગાંધીને રાજીનામાં માટે મનાઈ ફરમાવી દીધી છે. પાર્ટીએ રાહુલ ગાંધીને કહ્યું કે હજી પાર્ટીને આપની જરુર છે. અને એટલા માટે રાહુલ ગાંધીના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો.માધ્યમોને સંબોધતા પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આ માહિતી આપી હતી.

મહત્વનું છે કે રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સમક્ષ રાજીનામાની રજૂઆત કરી હતી અને કોંગ્રેસ વર્કિંગ કમીટીએ તેમને રાજીનામું ન આપવા આગ્રહ કર્યો. માનવામાં આવે છે કે રાહુલ એક દિવસ પહેલાં જ રાજીનામું આપવા ઈચ્છતાં હતાં પરંતુ યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને રોક્યાં હતાં. સૂત્રોના જણાવ્યાં અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલાં જ રાહુલ ગાંધી રાજીનામાની જીદ પર અડી ગયાં હતાં. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે પણ રાહુલને રાજીનામું આપવાથી ઈનકાર કર્યો હતો.

જ્યારે રાહુલ ગાંધી પાર્ટીના મુખ્યાલય પર પહોંચ્યા ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રાહુલ સાથે મુલાકાત કરી અને કહ્યું કે તેઓ રાજીનામું ન આપે. મનમોહને રાહુલને કહ્યું કે તમે અધ્યક્ષ નહીં રહો તો કોણ અધ્યક્ષ રહેશે. મનમોહનસિંહે જણાવ્યું કે ચૂંટણીમાં હારજીત તો થતી રહે છે. પરંતુ રાજીનામું આપવાની જરુર નથી.

જો કે ત્યારબાદ પણ રાહુલ ગાંધીએ વર્કિંગ કમિટીની બેઠકમાં રાજીનામાંની રજૂઆત કરી દીધી. પરંતુ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલના રાજીનામાની વાતનો અસ્વીકાર કરવામાં આવ્યો.