ફરી PM બનવાનો માર્ગ પ્રશસ્તઃ નરેન્દ્ર મોદીના નામ પર સંસદીય દળ એકસૂરમાં સંમત

નવી દિલ્હીઃ નવી સરકારની રચનાને લઈને આજે સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએ સાંસદીય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ સાંસદો હાજર રહ્યાં હતાં. અહીં અમિત શાહે મોદીને ભાજપના સંસદીય દળના નેતા ચૂંટવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને રાજનાથ સિંહ અને નિતિન ગડકરીએ સમર્થન આપ્યું. ત્યારપછી પ્રકાશ સિંહ બાદલે એનડીએના નેતા તરીકે મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો. જેને નીતિશ કુમાર, ઉદ્ધવ ઠાકરે, રામવિલાસ પાસવાન, કે પલાનીસ્વામી, નેફ્યૂ રિયો, કોનાર્ડ સંગમાએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું. ત્યાર પછી મોદીને સર્વસંમતિથી એનડીએ અને બીજેપી સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યાં હતાં.

નરેન્દ્ર મોદીને ફરી એક વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. આ દરમિયાન સંસંદમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. બેઠક પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરે તેવી શક્યતા છે. નવા ચૂંટાયેલા સાંસદો સહિત ભાજપના સીનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલીમનોહર જોશી અને અકાળી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ પણ હાજર રહ્યા હતાં.

અમિત શાહનું ભાષણ

અમિત શાહે કહ્યું કે જે પ્રકારે નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ શાસન ચલાવ્યુ તેને દેશના લોકોએ સ્વીકાર્યું છે. એ દર્શાવે છે કે દેશના લોકો એ નરેન્દ્ર મોદીના એક્સપરિમેન્ટનો મનથી ફરી એક વાર સ્વીકાર્યો છે, આ પ્રયોગ સફળ રહ્યો છે. દેશની ચૂંટણીમાં સામાન્ય રીતે પરિવારવાદ, જાતિવાદ અને તૃષ્ટિકરણ જોવા મળતું હતું પરંતુ આ ચૂંટણીમાં લોકોએ પરિવારવાદ, જાતિવાદ અને તૃષ્ટિકરણથી બહારનો રસ્તો બતાવ્યો છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે, જનાદેશન આપણા દેશની સુંદરતા દર્શાવે છે. અમારી સરકારે 22 કરોડ પરિવારના જીવન સ્તરને ઉપર ઉઠાવ્યું છે. આ સરકારમાં લોકોને ગેસ, વિજળી અને શૌચાલય મળ્યું છે. દેશની જનતાએ નરેન્દ્ર મોદી પર ભરોસો મૂક્યો છે. દેશના ગરીબમાં ગરીબ લોકોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પોતાનો વિશ્વાસ મૂક્યો છે.

નરેન્દ્ર મોદીએ બંધારણના પુસ્તક નમન કરીને તેમના સંબોધનની શરુઆત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં રહેલા બંધારણના પુસ્તકને સૌ પ્રથમ નમન કરીને તેમના ભાષણની શરુઆત કરી હતી. મોદીએ તેમના ભાષણની શરુઆતમાં સંસદીય દળના નેતા પસંદ કરવા માટે દરેક સસંદ સભ્યનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, અમે નવી ઉર્જા અને નવા ઉત્સાહ સાથે આગળ વધીશું. પ્રચંડ જનાદેશ મળવાના કારણે જવાબદારીઓ વધી જાય છે. ભારતનું લોકતંત્ર દિવસે ને દિવસે મજબૂત થઈ રહ્યું છે. ભારતના મતદાતાઓ સત્તાભાવ સ્વીકાર નથી કરતાં. તેઓ સેવાભાવ સ્વીકાર કરે છે.

વધુમાં મોદીએ કહ્યું કે, હું દરેક સાંસદોને સાથે લઈને ચાલલા માંગુ છું. ઘણી વખત ચૂંટણી અંતર લાવી દે છે અને દિવાલો ઉભી કરી છે પરંતુ 2019ની ચૂંટણીએ દિવાલ તોડવાનું કામ કર્યું છે. આ ચૂંટણીએ રાજકારણને એક નવી ઉંચાઈ આપી છે. 2019ની ચૂંટણી સામાજિક એકતાનું આંદોલન બની ગયું. હવે એક નવા યુગની શરૂઆત થઈ છે.

એનડીએના આ વખતે 352 સાંસદ છે. તેમાંથી ભાજપના જ એકલાના 303 સભ્યો છે. મોદીને પહેલેથી જ એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. તેથી હવે તેમની ફરી વખત પસંદગી કરવી માત્ર ઔપચારિકતા છે. આગામી 30 મેના રોજ શપથવિધી સમારંભ યોજાશે.