જાણો, કોણ છે સૌથી વધુ સરસાઇથી જીતનારા ઉમેદવારો?: સી. આર. પાટીલ ટોપ પર

નવી દિલ્હી- લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને આ વખતે ચૂંટણીમાં ભાજપે ચાર રાજ્યોમાં અન્ય પક્ષોનો સફાયો બોલાવી દીધો છે. જેમાં ગુજરાત, દિલ્હી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે, આ વખતે પણ મોદી લહેર દેશમાં યથાવત રહી છે. ભાજપે બહુમતીનો આંકડો તો પાર કર્યો પણ સાથે સાથે ‘અબકી બાર 300ને પાર’ના પોતાના નારાને પણ સાબિત કરી બતાવ્યો છે.

ભાજપની 303 બેઠકો પર જીત થઈ છે. પરંતુ અમે અહીં રસપ્રદ વિશ્લેષણ રજૂ કરી રહ્યાં છીએ. મજાની વાત એ છે કે, સૌથી વધુ મતોથી જીતનારા ટોપ ઉમેદવારોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આઠમા નંબર પર છે. જ્યારે વડાપ્રધાન મોદી અને  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું તો આ ટોપ 10માં નામ જ નથી. મહત્વનું છે કે, આ લિસ્ટમાં તમામ ઉમેદવાર ભાજપના જ છે. ગુજરાતના ત્રણ ઉમેદવારો સૌથી વધુ મતોથી જીતેલા Top 10માં સ્થાન ધરાવે છે.

સૌથી વધુ માર્જિન ધરાવતા ટોપ 10 ઉમેદવારો

 • આ યાદીમાં દેશમાં સૌથી પ્રથમ નંબર પર નવસારી બેઠકના ઉમેદવાર સીઆર પાટીલ છે. સીઆર પાટીલ 6,89,668 માર્જિન મતોથી વિજેતા થયાં છે. જે દેશમાં સૌથી વધુ છે.
 • બીજા નંબર પર હરિયાણાની કરનાલ બેઠકના ઉમેદવાર સંજય ભાટીયા આવે છે. ભાટીયા આ ચૂંટણીમાં 6,56,142 મતોના માર્જીનથી જીત્યાં છે.
 • ત્રીજા નંબરે હરિયાણાની ફરીદાબાદ બેઠક પરથી મેદાનમાં ઉતરેલા ભાજપના કૃષ્ણ પાલનો નંબર આવે છે. કૃષ્ણ પાલ 6,38,239 મતોના માર્જિનથી જીત્યા છે.
 • આ યાદીમાં ચોથા નંબરે રાજસ્થાનના ભીલવાડના ભાજપના ઉમેદવાર સુભાષ ચંદ્ર છે. જેઓ 6,12,000 મતોના માર્જિનથી જીત્યા છે.
 • પાંચમા નંબર પર વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ છે, તેઓ 5,89,177 મતોના માર્જિનથી જીત્યા છે.
 • છઠ્ઠા નંબર પર ભાજપના ઉમેદવાર પ્રવેશ સાહિબ સિંહ વર્મા પશ્ચિમ દિલ્હીની બેઠક પરથી 5,78,486 મતોના માર્જિનથી જીત્યા છે.
 • સાતમાં નંબર પર રાજસ્થાનની ચિત્તૌડગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચંદ્ર પ્રકાશ જોશી આવે છે. ચંદ્ર પ્રકાશ 5,76,247 મતોના માર્જિનથી જીત્યા છે.
 • ગુજરાતની બહુચર્ચિત બેઠક કે જ્યાંથી ભાજપે અધ્યક્ષ અમિત શાહને ઉતાર્યા હતા તે આઠમાં નંબર પર આવે છે, શાહ અહીં 5,57,014 મતોના માર્જિનથી વિજય થયાં છે.
 • નવમાં નંબર પર ભાજપના ઉમેદવાર હંસ રાજ હંસ રહ્યાં છે અને તેઓ પશ્ચિમ દિલ્હીની બેઠક પરથી 5,53,897 મતોથી જીત્યા છે.
 • આ યાદીમાં દસમાં નંબર પર મધ્ય પ્રદેશની હોસંગાબાદ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉદય પ્રતાપ સિંહ રહ્યા છે. ઉદય પ્રતાપ કુલ 5,53,682 મતોના માર્જિનથી જીત મેળવી છે.

 

સૌથી ઓછુ માર્જિન ધરાવતા ટોપ-5 ઉમેદવારો

લોકસભા ચૂંટણીમાં દેશભરમાં સૌથી ઓછુ માર્જિન ધરાવતા ટોપ 5 ઉમેદવારોમાંની યાદીમાં 2 ભાજપના, અને એનસીપી, ટીએમસી, કોંગ્રેસના એક-એક ઉમેદવારોનો સમાવેશ થાય છે.

 • આ યાદીમાં પ્રથમ નંબર પર ઉત્તરપ્રદેશની મછ્લીશહર બેઠક પરથી ભાજપના ઉમેદવાર બીપી સરોજનો છે. જેમણે માત્ર 181 મતોના માર્જિનથી જીત મેળવી છે.
 • બીજા નંબર પર લક્ષદ્વીપમાં એનસીપીના ઉમેદવાર મોહમ્મદ ફેયસલ આવે છે. જઓ 823 મતોના માર્જિનથી જીત હાંસલ કરી છે.
 • પશ્ચિમ બંગાળની આરમબાગ બેઠક પર ટીએમસી ઉમેદવાર અપારુપા પોદાર ત્રીજા નંબર પર આવે છે. તેમણે 1142 મતોના માર્જિનથી જીત મેળવી છે.
 • અંદમાન નિકોબારમાં કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ શર્મા આ યાદીમાં 4 સ્થાન પર આવે છે. કુલદીપ શર્માએ 1407 મતોના માર્જિનથી જીત મેળવી છે.
 • પાંચમાં ક્રમ પર ઝારખંડ ખુંટી બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જૂન મુંડા આવે છે. જેઓએ 1145 મતોના માર્જિનથી જીત મેળવી છે.