PM મોદીએ સરદારધામનું ઈ-લોકાર્પણ, ઈ-ભૂમિપૂજન કર્યું

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરમાં સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ ભવનમાં નોકરીવાંછુ ગ્રામીણ ક્ષેત્રોના યુવકો-યુવતીઓને હોસ્ટેલની સુવિધા પ્રદાન કરવામાં આવશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત કોમ્પ્લેક્સમાં બધા વિદ્યાર્થીઓને વાજબી દરોએ તાલીમ અને રહેવાની સુવિધા આપવામાં આવશે.

PM નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે તમને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ આપું છું. આજે ઋષિ પંચમી પણ છે, આપને શુભેચ્છાઓ. પર્યુષણ પર્વ બાદ જૈન પરિવાર એકબીજાને ક્ષમા યાચના માગતા ‘મિચ્છા મિ  દુક્કડમ’ કહે છે. હું પણ આપ સૌને દેશના તમામ નાગરિકોને ‘મિચ્છા મિ દુક્કડમ’ કહું છું.

PM મોદીએ જે સરદાર ધામનું ઈ-લોકાર્પણ કર્યું છે, એ ભવન રૂ. 200 કરોડના ખર્ચે 11,670 સ્ક્વેર મીટરના પ્લોટમાં આશરે સાત લાખ સ્ક્વેર ફૂટમાં નિર્માણ કરવામાં આવ્યું છે, અહીંની બાજુની જમીનમાં જ રૂ. 200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનશે, જેનું વડા પ્રધાન મોદી દ્વારા ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડિટોરિયમ અને 1000-1000 વ્યક્તિઓની ક્ષમતા સાથેના બે હોલ છે. આ ભવનના બેઝમેન્ટ 1-2 માં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમો ધરાવતા ટ્રસ્ટી વિશ્રામ ગૃહની વ્યવસ્થા છે. સરદારધામમાં 800 દીકરાઓ અને 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. સાથે 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અને વાચનાલયની સુવિધા છે.

સરદારધામમાં 1600 વિદ્યાર્થી માટે રહેણાક સુવિધાઓ, 1000 કમ્પ્યુટર સિસ્ટમ્સ, ઈ-લાઇબ્રેરી, હાઇટેક ક્લાસરૂમ, જિમ, ઓડિટોરિયમ, 50 લક્ઝરી રૂમ સાથે રેસ્ટ હાઉસ અને રાજકીય બેઠકો માટે અન્ય સુવિધાઓ છે.

આ સમારોહમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા સહિતના અગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.