અમદાવાદઃ રાજ્યમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકને કારણે નવ લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં નવ લોકોનાં હાર્ટ એટેકનાં મોત થયાં છે. આ ઉપરાંત વડોદરાના એક યુવાનનું કુવૈતમાં મોત થયું હોવાના અહેવાલ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગરમાં હાર્ટ એટેકને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં જગદીશ જાદવ, લક્ષ્મણદાસ આસવાણી અને ભાવનગર આવી રહેલા ઉમેશ માંડલિયાનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. તે ઉપરાંત સુરતમાં પણ હાર્ટ એટેક ગોઝારો સાબિત થયો છે. શહેરમાં એક જ દિવસમાં ત્રણ લોકોનાં હૃદયના હુમલાથી મોતને થયા છે. સુરતના અમરોલીમાં સાહિલ રાઠોડ, પાંડેસરામાં સંજય સહાની અને વરાછામાં મહેશ ખામ્બરનું મોત થયાં છે.
વડોદરાના નાગરવાડા વિસ્તારના પ્રકાશ ચૌહાણને કુવૈતમાં હાર્ટ એટેક આવ્યો હતો. હવે કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે. તે ઉપરાંત પાટણમાં પણ એક આધેડનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. ચાણસ્માના રણાસણ ગામના સરપંચના પતિ કાનજીભાઈ પરમાર સિદ્ઘપુરમા દીકરીને ત્યાં ગયા હતાં અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
રાજ્યમાં નવરાત્રિ પર 766 લોકોને હાર્ટ એટેક
રાજ્યમાં નવરાત્રિમાં હાર્ટ એટેકથી 36 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે કુલ 766 કેસો સામે આવ્યા હતા. સાંજે છ કલાકથી રાત્રે બે કલાકની વચ્ચે હાર્ટ એટેકના સૌથી વધુ કેસ આવ્યા હતા. આમાં અમદાવાદમાં ત્રણનાં મોત થયાં હતાં, જ્યારે સૌરાષ્ટ્રમાં 16, દક્ષિણ ગુજરાતમાં 15 અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બે લોકોનાં મોત થયાં હતા.અમદાવાદમાં નવરાત્રિમાં પ્રતિ દિન 22 હાર્ટ એટેક સંબંધિત કોલ્સ કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેમણે થોડાક સમય માટે આકરી મહેનત કે કપરી કસરતો કરવાનું બંધ કરી દેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ICMRએ રિસર્ચમાં નોંધ્યું છે કે જે લોકો કોરોનાથી ગંભીર રીતે પીડિત હતા તેમણે થોડાક સમય માટે આકરી મહેનત કરવાનું પડતું મૂકવું જોઈએ. તેમણે એક કે બે વર્ષ માટે કસરત કે જિમથી બ્રેક લેવો જોઈએ.