નેધરલેન્ડ્સનું પ્રતિનિધિ મંડળ વાઇબ્રન્ટ ગુજરાતની મુલાકાત લેશે

અમદાવાદઃ નેધરલેન્ડ્સે 10-12 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ) 2024ની 10મી આવૃત્તિમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. ભારત ખાતેના નેધરલેન્ડ્સના રાજદૂત એચ. ઈ. શ્રીમતી મારિસા જેરાર્ડ્સ કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, સમુદ્રી ક્ષેત્ર અને લોજિસ્ટિક્સ, પુનઃપ્રાપ્ય ઊર્જા, વેસ્ટ મેનેજમેન્ટ, આઇટી, સેમિકન્ડક્ટર્સ અને સર્વિસિઝ જેવા વિવિધ ઉદ્યોગોનું પ્રતિનિધિત્ત્વ કરનારી 45 ડચ કંપનીઓના બનેલા આ પ્રતિનિધિમંડળની આગેવાની કરશે. વિશ્વની અગ્રણી આર્થિક મહાસત્તાઓમાંથી એક હોવાથી નેધરલેન્ડ્સ વિવિધ સેક્ટરોમાં સહકાર સાધવા અને વિવિધ તકોને એક્સપ્લોર કરવા માટેના એક મહત્ત્વના પ્લેટફોર્મ તરીકે આ વૈશ્વિક કાર્યક્રમના મહત્ત્વને સ્વીકારે છે.

આ શિખર સંમેલનમાં પાર્ટનર કન્ટ્રી તરીકે સતત ચોથી વખત ભાગ લઈ રહેલું નેધરલેન્ડ્સ એક કન્ટ્રી સેમિનારનું આયોજન કરી રહ્યું છે, જેમાં ભાગ લઈ રહેલી ડચ કંપનીઓ સંવાદો કરશે તથા તેમના ઉત્પાદનો અને સેવાઓને રજૂ કરશે. વધુમાં આ શિખર સંમેલનમાં ‘ન્યુ બિઝનેસ એરિયાઝ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ફોર લોકલ પાર્ટનર્શિપ’ અને ‘પાર્ટનરિંગ ફોર વેલ્યૂ ક્રિયેશન થ્રુ ઇનોવેશન એન્ડ સસ્ટેનેબિલિટી’ નામના નેધરલેન્ડ્સના બે સેમિનારો સિવાય પોર્ટ-લેડ સિટી ડેવલપમેન્ટ, સેમિકન્ડક્ટર્સ, અંતરીક્ષ, પુનઃપ્રાપ્ય ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રોમાં યોજાનારા અન્ય ક્ષેત્રીય સેમિનારોમાં પણ ડચ પ્રતિનિધિઓ હાજર રહેશે. આ શિખર સંમેલનના ભાગરૂપે ડચ કંપનીઓ ઘણા મંત્રીઓ અને ખાનગી ક્ષેત્રની સાથે અનેકવિધ એમઓયુ પણ કરશે. નેધરલેન્ડ્સના રાજદૂત મારિસા જેરાર્ડ્સએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં નેધરલેન્ડ્સ અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે.

હાલમાં ભારતમાં 300 ડચ બિઝનેસ સંચાલન કરી રહ્યા છે અને લગભગ 250 ભારતીય કંપનીઓ નેધરલેન્ડ્સમાં સંચાલન કરી રહી છે. 2.498 બિલિયન યુએસ ડૉલર (રૂ. 19,855 કરોડ)ના એફડીઆઈ ઇક્વિટી ઇનફ્લોની સાથે નેધરલેન્ડ્સ નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન ભારતમાં પાંચમો સૌથી મોટો વિદેશી રોકાણકાર દેશ છે. ભારત અને નેધરલેન્ડ્સે કૃષિ, આરોગ્ય, સમુદ્રી ક્ષેત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, આબોહવા અને ઊર્જા તથા નવીનીકરણ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર સાધ્યો છે.

ડચ કંપનીઓ ભારતના વિવિધ ક્ષેત્રોમાં લગભગ 3.4 બિલિયન યુરોનું કુલ રોકાણ કરવાનો ઇરાદો ધરાવી રહી છે. તેમાં બંદરો, સતત વિસ્તરી રહેલી એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી માટે ફ્લાઇટ સિમ્યુલેટર્સ, વિવિધ સામગ્રીઓના પ્રોસેસિંગ માટે ઉત્પાદનસ્થળો વગેરેમાં રોકાણ કરવાનો સમાવેશ થાય છે.