અમદાવાદ: રાજ્યમાં આ વર્ષે સરકારી નવરાત્રિના આયોજનને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આ વખતે વાયબ્રન્ટ નવરાત્રિ નહીં યોજે. રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિને જોતાં રાજ્ય કક્ષાનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. 17થી 25 ઓક્ટોબર દરમિયાન રાજ્ય સરકારે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના જે આયોજનો કર્યાં હતાં એ તમામ આયજનો રદ કરવામાં આવ્યાં છે.
મુખ્ય પ્રધાને વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. દર વર્ષે અમદાવાદ GMDCમાં રાજ્ય સરકાર પરંપરાગત રીતે નવરાત્રિ મહોત્સવ ઊજવે છે. જ્યાં હજારો લોકો લાભ લેતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના રોગચાળા વચ્ચે લોકોની ભીડ ન થાય અને સંક્રમણ ન વધે એ માટે લોકોના આરોગ્યને ધ્યાને લઈ રાજ્ય સરકારે નવરાત્રિ નહીં યોજવા મહત્વનો નિર્ણય કર્યો છે.
જોકે આ પહેલાં કોરોના વાઇરસના રોગચાળા વચ્ચે રાજ્ય સરકારે નવરાત્રિનું આયોજન કરવાના આપેલા સંકેત સામે તબીબી આલમે નારાજગી દર્શાવી હતી. પ્રવર્તમાન સંજોગોમાં નવરાત્રિનું આયોજન થશે તો લોકો મોટા પાયે એકત્ર થશે અને જેના કારણે સંક્રમણ વધી શકે છે તેવી અમદાવાદ મેડિકલ એસોસિયેશને આશંકા વ્યક્ત કરી હતી.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનનાં પ્રમુખ ડો. મોના દેસાઈએ ગુજરાતની પ્રજાને અપીલ કરી હતી કે ‘સપ્ટેમ્બર માસમાં કોરોનાના કેસ વધ્યા છે અને એ સંજોગોમાં લોકો હજુ પણ ઘરે જ રહે. છેલ્લા છ મહિનાથી ડોક્ટરો ઘર-પરિવારને ભૂલીને, પોતાનો જીવ જોખમમાં મૂકીને કોરોનાના દર્દીઓને બચાવવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. હવે મોટી સંખ્યામાં ડોક્ટરો સંક્રમિત થઇ રહ્યા છે. આ કપરા સમયમાં નવરાત્રિનું આયોજનની વાત કરવી કોઇ પણ રીતે યોગ્ય નથી, એમ તેમણે કહ્યું હતું.