રાજ્યમાં દિવાળીમાં ફટાકડાને લીધે આગની 400થી વધુ ઘટના

અમદાવાદઃ રાજ્યમાં ગઈ કાલે દિવાળીની રાત્રે ધૂમ ફટાકડા ફૂટ્યા છે, પરંતુ દિવાળીએ ફટાકડાન કારણે રાજ્યમાં 400થી વધુ આગના બનાવો બન્યા છે, જેમાં રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં આગ લાગવાના 156 બનાવ, તો સુરતમાં 124, તો અમદાવાદમાં 88 અને વડોદરામાં 40 જેટલા આગના નાના-મોટા બનાવો બન્યા છે. આ બનાવોમાં રાજકોટમાં એક જ્વેલર્સની દુકાન, ફેકટરી તો વડોદરામાં સરકારી કચેરીના દસ્તાવેજો આગ લાગવાને કારણે બળીને ખાખ થઈ ગયાં છે. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી.

રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં આગ લાગવાના 156 બનાવ નોંધાયા છે. જેમાં ગઈ કાલે રાત્રે 12 વાગ્યાથી અત્યાર સુધીમાં 65 બનાવ નોંધાયા છે. જ્યારે એ પહેલાં આગ લાગવાના 63 બનાવ નોંધાયા છે. જેમાં શહેર બહાર મેટોડા GIDCમાં ઔદ્યોગિક એકમમાં આગ લાગી હતી.રાજ્યમાં દિવાળીની રાતે ફટાકડાને કારણે ઠેર-ઠેર આગના બનાવો બન્યા હતા. જેથી ફાયર વિભાગની ટીમો મોડી રાત સુધી દોડતી રહી હતી. રાજકોટમાં આગના બનાવો વધ્યા હતા.

સુરતમાં કુલ 125 સ્થળોએ આગની ઘટનાઓ બની હતી. જેમાં શહેરના ફાયર વિભાગને સેન્ટ્રલ ઝોનમાં કુલ 8 કોલ, અઠવાઝોનમાં કુલ 19 કોલ, રાંદરે ઝોનમાં કુલ 29 કોલ, ઉધના ઝોનમાંમાં 14 કોલ, લિંબાયત ઝોનમાં 16 કોલ, કતારગામ ઝોનમાં 18 કોલ અને વરાછા ઝોનમાં 21 કોલ મળ્યા હતા.  આ તમામ આગની ઘટનાઓમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.