મોરબીઃ આ શહેરમાં મચ્છુ નદી પર હાલમાં જ બાંધવામાં આવેલા અને ગઈ કાલે સાંજે તૂટી પડેલા ઝુલતા પૂલની દુર્ઘટનામાં બિનસત્તાવાર મરણાંક 140 દર્શાવાયો છે. મૃતકોમાં અનેક બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બચાવ કામગીરી ગઈ આખી રાત ચાલુ રાખવામાં આવી હતી. તે કામગીરીમાં ભારતીય સેનાના જવાનો પણ જોડાયા હતા. નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સના જવાનો આજે સવારે જોડાયા હતા.
દરમિયાન, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનાના કારણની તપાસ કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે અને તમામ સભ્યોએ ગઈ મોડી રાતથી જ તપાસ કામગીરી શરૂ કરી દીધી છે, એમ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે. મુખ્ય પ્રધાન પટેલ ગઈ કાલે રાતે જ મોરબી આવ્યા હતા અને કલેક્ટર કચેરી તથા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચી ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ગૃહ પ્રધાન સંઘવી ગઈ કાલ રાતથી જ ઘટનાસ્થળે ઉપસ્થિત છે.
મોરબી પૂલ દુર્ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું પણ સંઘવીએ કહ્યું છે. એમણે કહ્યું છે કે IPCની કલમ – 304, 308, 114 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.