મોરબીમાં ઝૂલતો-પૂલ તૂટી પડતાં અનેકનાં મરણ

મોરબીઃ અહીં મચ્છુ નદી પરનો ઓવરબ્રિજ કેબલ પૂલ (ઝૂલતો પૂલ) આજે સાંજે તૂટી પડતાં 500 જેટલા લોકો નદીમાં પડી ગયા હતા. બચાવ કામગીરી ચાલુ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, દુર્ઘટનામાં ઓછામાં ઓછાં ૩૫ જણનાં મરણ નિપજ્યા છે.

સ્થાનિક લોકો તથા પોલીસ-ફાયર બ્રિગેડ વિભાગનાં જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ પૂલ એક સ્થાનિક પિકનિક સ્થળ તરીકે જાણીતો છે. સપ્તાહાંત તથા રજાના દિવસોએ આ પૂલ પર લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે.

આ પૂલનું હજી છ મહિના પહેલા જ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી પૂલને ઉતાવળે બાંધવામાં આવ્યો હતો અને જાહેર જનતા માટે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાન કાર્યાલયના ટ્વીટ મુજબ, વડા પ્રધાન મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનાં નિકટના સ્વજનને વળતર પેટે રૂ. બે લાખની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે. પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ.50,000 આપવામાં આવશે.