T20-વર્લ્ડ કપઃ સાઉથ આફ્રિકા સામે ભારતની હાર

પર્થઃ અહીં આજે રમાઈ ગયેલી T20 વર્લ્ડ કપ-2022 સ્પર્ધાના સુપર-12 રાઉન્ડમાં, ગ્રુપ-2ની મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને પાંચ-વિકેટથી પરાજય આપ્યો છે.

રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. સૂર્યકુમાર યાદવના 68 રનની મદદથી ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં 9 વિકેટે 133 રન કર્યા હતા. તેના જવાબમાં સાઉથ આફ્રિકાએ એડન મારક્રમના 52 અને ડેવિડ મિલરના અણનમ 59 રનના જોરે 19.4 ઓવરમાં પાંચ વિકેટે 137 રન કરીને મેચ જીતી લીધી હતી. સ્પર્ધામાં ભારતનો આ પહેલો પરાજય થયો છે. આજના પરાજયને કારણે પોઈન્ટ્સ ટેબલમાં ભારત મોખરાના સ્થાન પરથી નીચે ઉતરી ગયું છે અને સાઉથ આફ્રિકા ટોચ પર આવી ગયું છે. ભારત હવે બીજી નવેમ્બરે બાંગ્લાદેશ સામે રમશે.

મેચની આખરી ઓવર, જે ભૂવનેશ્વર કુમારે ફેંકી હતી, તેમાં સાઉથ આફ્રિકાને જીત માટે 6 રન કરવાની જરૂર હતી. મિલર 46 બોલમાં 3 છગ્ગા, 3 ચોગ્ગા સાથે 55 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. મારક્રમે 41 બોલમાં 6 ચોગ્ગા, એક છગ્ગા સાથે 52 રન કરીને ટીમને ધબડકામાંથી ઉગારી હતી. સાઉથ આફ્રિકા ટીમે એક સમયે માત્ર 24 રનમાં 3 વિકેટ ખોઈ દીધી હતી. પણ ત્યારબાદ મારક્રમ અને મિલરે 76-રનની ભાગીદારી કરી હતી.