રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં હડવાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 6.3 ઈંચ, પારડ 4.6 ઈંચ, ધરમપુર 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયામાં 2.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતી કાલે એટલે કે, ચોથી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જે બાદ રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાં સૌથી વલસાડ જિલ્લામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લો જળમગ્ન થયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોહના કાવચાલી ગામ પાસેથી પસાર થતા કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો. ત્યારે બીજી બાજુ નવસારી જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયો છે. નવસારી શહેરના લુનસીકુઈ, માછીવાડ, ડેપો, ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં રોડ પર પાણી વહેતા થયા છે. તો ઉપરવાસમાં સારા વરસાદના કારણે અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે, જ્યારે પૂર્ણા નદીની સપાટી વધવાની પણ સંભાવના છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ-ગાંધીનગરમાં તડકા છાંયા વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. ધીમી ધારે ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે વહેલી સવારથી ધીમીધારે મેઘરાજાએ મંડાણ કરતાં નોકરી ધંધે જતાં લોકોને હાંલાકીનો સામનો કરવો પડ્યો હતો.