રાજ્યમાં ચોમાસું જામી ચૂક્યું છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ માટે સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતાના લગભગ વિસ્તારમાં ગાજવીજ સાથે સામાન્યથી ભારે વરસાદ થઈ શકે છે. ત્યારે આજની વાત કરવામાં આવે તો, આજે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સવારના 6 વાગ્યાથી લઈ બપોરના 4 વાગ્યા સુધીમાં લગભગ 18 તાલુકામાં વરાસદ નોંધવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. ગઈકાલે જિલ્લામાં સારો થવાથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ સુત્રાપાડા અને તાલાલા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બપોર બાદ અનરાધાર વરસેલા વરસાદના પગલે સર્વત્ર પાણી પાણીની સ્થિતિ જોવા મળી રહી હતી. વેરાવળ શહેરમાં પણ બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે મેઘરાજા ધોધમાર વરસી પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.
અંજારમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંજારમાં ચાર કલાકમાં લગભગ એક ઇંચ વરસાદ વરસી જતા રસ્તા પર પાણીની નદીઓ વહી હતી. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ચોમાસાની ઋતુની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે. ત્યારે ગત રવિવારે રાતથી સોમવારે સવાર સુધીમાં વરસી ગયેલા ચાર ઈંચ વરસાદ બાદ ગઈકાલે મંગળવારે પણ ગાજવીજ સાથે વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. ચૂડા તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો હતો. જેના લીધે તંત્ર દ્વારા નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે. તો બીજી બાજું ગઈકાલે યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી વેહતુ થયું હતું. અંબાજીમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે દુકાનોમાં પાણી ઘુસ્યા હતા. ધારી પંથકના ગીર કાંઠાના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેથી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં ઘોડાપુર. શેત્રુંજી નદીના પુર જોવા સ્થાનિકો ઉમટી પડ્યા હતા.