મોદીએ હોસ્પિટલ, રોપવે અને ખેડૂત યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેનું  ઇ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે અમદાવાદમાં રૂ. 470 કરોડના ખર્ચે 850 બેડ સાથે સુસજ્જ થયેલી બાળકો માટેની યુ. એન. મહેતા હૃદયરોગ હોસ્પિટલનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું અને ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’નું પણ લોન્ચિંગ કર્યું હતું. આ ઈ-લોકોર્પણમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જૂનાગઢથી તેમ જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, અન્ય પ્રધાનો અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલ અમદાવાદથી ઉપસ્થિત થયા હતા.
ગિરનાર રોપ-વે ઈ-લોકાર્પણ

રાજ્યમાં આજે આઠમા નોરતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હસ્તે જૂનાગઢ ગિરનાર રોપ-વે ઈ-લોકાર્પણ કર્યું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ-ગિરનાર-રોપ-વે ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રોપવે ગિરનાર આવતા પ્રવાસીઓ માટે અનોખું નજરાણું બની રહેશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સાથે સાથે ઊર્જાપ્રધાન સૌરભ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગિરનાર પર શરૂ કરવામાં આવેલો રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ છ મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સંકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલશે.

યુ. એન. મહેતા હોસ્પિટલમાં હૃદયરોગ માટે નવું બિલ્ડિંગ

 નવજાત શિશુને જન્મતાની સાથે જ જો હૃદયરોગને લતી તકલીફ હશે તો અત્યાધુનિક સુવિધા પ્રાપ્ય બની શકે એ હોસ્પિટલનું વડા પ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપપ્રમુખ સી. આર. પાટીલ યુ. એન. મહેતા હોસ્પિટલમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં યુ એન મહેતા હોસ્પિટલમાં બાળ હૃદયરોગ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈ-લોકાર્પણ કરીને દર્દીઓની સારવાર માટે ખુલ્લું મૂક્યું છે. અતિ આધુનિક હોસ્પિટલને ટેક્નોલોજી સાથે સજ્જ કરવામાં આવી છે. યુ. એન. મહેતા હોસ્પિટલમાં તાજા જન્મેલા બાળકોથી માંડી વૃદ્ધાવસ્થા સુધીની તમામ ઉંમરના હૃદયરોગના દર્દીઓની સંપૂર્ણ સારવાર થશે.

કિસાન સૂર્યોદય યોજનાનું ઇ-લોકાર્પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે કિસાન સર્વોદય યોજનાનો પ્રારંભ પણ ઈ-લોકાર્પણના માધ્યમથી કરવામાં આવ્યું હતું.. કિસાન સર્વોદય યોજના મુજબ હવે ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે એ હેતુ રહેલો છે. ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ સહિત ખેડૂત સંસ્થાઓએ કરેલી રજૂઆતને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપીને કેન્દ્ર દ્વારા અમલી બનેલી કિસાન સર્વોદય યોજનાનો લાભ હવે ગુજરાતને પણ મળશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ , મધ્યગુજરાતના દાહોદ અને ઉત્તર ગુજરાતના પાટણમાં દિવસે વીજળી આપવા હેતુ કિસાન સર્વોદય યોજનાનનું ઇ-લોકાર્પણ થયું છે. રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના પાંચથી રાત્રે નવ કલાક સુધી વીજળી આપવામાં આવશે.