અમદાવાદઃ આર્ટિકલ 370 ખતમ કરવાને લઈને પીડીપી અધ્યક્ષ મેહબૂબા મુફ્તીએ તાજેતરમાં આપેલા નિવેદન પર ગુજરાતના ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીને જો ભારતના અને એના કાયદા પસંદ ના હોય તો તેમણે સપરિવાર પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.
મુફ્તી કરાચી જાય
વડોદરાના કુરાલી ગામમાં ઉપચૂંટણી માટે એક સભાને સંબોધિત કરતાં નીતિન પટેલે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દેશની સુરક્ષા માટે સિટિઝન્સ એમેડમેન્ટ એક્ટ (CAA) લાવ્યા છે અને તેમણે આર્ટિકલ 370ની જોગવાઓને ખતમ કરી દીધી છે. મેહબૂબા છેલ્લા બે દિવસથી બેફામ નિવેદનો આપી રહ્યાં છે. તેમને ફ્લાઇટની ટિકિટ ખરીદવી જોઈએ અને પોતાના પરિવારની સાથે કરાચી ચાલ્યા જવું જોઈએ. બધા માટે એ સારું રહેશે.
જનતા ટિકિટના પૈસા આપશે
નીતિન પટેલે કહ્યું હતું કે મેહબૂબા મુફ્તી ઇચ્છે તો કરજણ તાલુકાની જનતા તેમને ફ્લાઇટ્સની ટિકિટ ખરીદવા માટે પૈસા મોકલશે. તેમણે વધુમાં કહ્યું હતું કે જેમને ભારત પસંદ નથી અથવા સરકાર દ્વારા CAA કાયદો અથવા આર્ટિકલ 370 ખતમ કરવું પસંદ નથી તો તેમનું આ દેશમાં શું કામ?