રાજ્યના 16 જિલ્લાઓમાં મેઘ મહેર..

રાજ્યમાં ધીમી ગતીએ મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે. ગુજરાતમાં દર વર્ષે 15 જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ, આ વર્ષે 4 દિવસ અગાઉ એટલે કે 11 જૂનથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ અનેક જગ્યાએ સારો એવો વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં તો ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કરી લીધા છે. આજે રાજ્યના 16થી વધુ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત  તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે. તેમજ અનેક જગ્યાએ ગાજવીજ સાથે સામાન્યથી ભારે વરસાદ થાવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા 7 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વલસાડ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેને લઈને શાકભાજી માર્કેટમાં વેપાર કરતા વેપારીઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આજે સવારે 6થી 10 દરમિયાન વલસાડ તાલુકામાં 16 MM વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી પ્રમાણે આવતીકાલે 14 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે. આ ઉપરાંત 15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે.​​​​​ તેમજ 16 જૂનના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથમાં વરસાદ રહેશે. જ્યારે 17 જૂનના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથમાં વરસાદ રહેશે. તેમજ 18 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથ વરસાદ રહેશે.