રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 20 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાતમાં પાછલા 24 કલાકમાં 102 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્દશ્યો સામે આવ્યાં છે. ભારે વરસાદના પગલે જનજીવન પ્રાભાવિત થયું છે. જ્યાં રોડ રસ્તા પર નદીમાં ફેરવાય ગાય છે, તો કેટલાક પશુ વાહનો તણાયા છે. જ્યારે સ્થાનિકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદને પગલે પોરબંદરની ત્રણ ટ્રેનો રદ કરવામાં આવી છે. તો બીજી બાજુ જુનાગઢમાં પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે. ખાસ કરીને કેશોદ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તો માણાવદરના 20થી વધુ ગામો તેમજ કેશોદના પણ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદને પગલે વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. સોનરખ અને કાળવા નદીમાં પૂર આવ્યું છે. લોલ નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે.
કેશોદની સાબલી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. પાણી ભરાય જતા ચાર ખેડૂતો ફસાઈ જતાં ગામ લોકોએ ખેડૂતોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતું. ત્યારે પોરબંદર, જુનાગઢ બાદ રાજોકટમાં પણ વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. રાજકોટ જિલ્લાના વેણુ ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા ડેમના 7 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે, આથી ડેમના હેઠવાસ વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના કેટલાક ગામો એલર્ટ કરવામાં આવ્યા.
જામનગરના ધ્રોલ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદ વચ્ચે વિજળી પડવાથી ધ્રોલ તાલુકાન દંપતિનું મોત નિપજ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાત પર વરસાદની મહેર જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા.