ગુજરાતમાં 24 કલાકમાં 213 તાલુકામાં મેઘ મહેર..

ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યના કેટલાકા ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મળતી માહિતી અનુસાર ગુજરાતમાં 24 કલાકમાં 213 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતના મહેસાણામાં નોંધાયો છે. મહેસાણામાં 24 કલાકના સમયગાળામાં 186 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 167 મીમી, વિસનગરમાં 163 મીમી, વિજાપુરમાં 138 મીમી, લુણાવાડામાં 134 મીમી વરસાદ નોંધાયો છે.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને લઈ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે. જેમાં આજે 72,015 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઇ છે. વરસાદના કારણે ગુજરાતની દરેક નદીઓ પાણીના સ્તરનો વધારો થયો છે. હાલ તો જે માહિતી મળી રહી છે તે અનુસાર ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ડેમની સપાટી 323.13 ફૂટ પર પહોંચી છે. તો બીજી બાજું બનાસકાંઠાના કાંકરેજના તાણા ગામે વીજળી પડતા બે ભેંસોના મોત થયા છે. ખેતરમાં બાંધેલી ભેંસો ઉપર અચાનક વીજળી પડતાં બે ભેંસોના મોત નિપજ્યા છે. યાત્રાધામ અને પ્રવાસન સ્થળ પાવાગઢમાં આવેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓએ ડુંગર ઉપર ચારે બાજુ ખીલી ઉઠી છે. પ્રવાસીઓએ પ્રાકૃતિક સુંદરતાને જોતા ઠંડા પવનો વચ્ચે આહલાદક વાતાવરણમાં પોતાની યાત્રા અને પ્રવાસ કર્યો હતો. પાવાગઢના પગથિયા પર ખડખડ વહેતા ઝરણાની પ્રવાસીઓએ મોજ માણી હતી.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે 31 જુલાઈ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ આગાહી કરવામાં આવી છે