રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર મેઘ મહેર..

રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય હોવાના કારણે મેઘરાજાનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે ગત રોજ દક્ષિણ ગુજરાતના ઉપરપાડામાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું જ્યાં લગભગ 4 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાત આજની થાય તો, પાછલા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 14 ઈંચ, નેત્રંગમાં સાડા સાત ઈંચ, ગુરૂડેશ્વરમાં 6 ઈંચ, નાદોદમાં સવા પાંચ ઈંચ, તિલકવાડામાં સવા ચાર ઈંચ, ચિખલીમાં ચાર ઈંચ, લિલિયા અને મહુવામાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય તાલુકામાં પણ હળવાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત 72 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક એટલે કે 75થી 100 ટકા વિસ્તારમાં વરસાદની પણ આગાહી છે. તો બીજી બાજું હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારે બે કલાકમાં માળીયા હાટીના તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. માંગરોળ તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે કેશોદમાં ૪ MM વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે માળિયા હાટીના પાસે આવેલો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. સિઝનમાં પ્રથમ વખત ડેમ ઓવરફ્લો થતા, નીચેના ગામોને એલર્ટ કરાયા છે. તો આણંદમાં ગઈકાલે અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી પાણી જ પાણી થઈ ગયુ હતું. શહેરની બજારોમાં નદીઓ વહેવા લાગી હતી. કેડ સમા પાણી ભરાયા હતા.

તો બીજી બાજું ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક આવેલ ધાણીખૂંટ ધોધ સક્રિય થયા છે. ડેમનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. તો અરવલ્લીના મોડાસામાં વરસાદમાં રોડ રસ્તા ધોવાતા દુર્ઘટના બની હતી. વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ પર પડેલા ભુવામાં ઉતરી પડતા અફરાતફરી સર્જાઈ છે. બસમાં 10થી વધુ વિદ્યાર્થી સવાર હતા. ડીપી રોડ પર ચાલતી ગટર લાઈનની કામગીરી બાદ યોગ્ય પુરણ ન કરતા ઠેર ઠેર ભુવા રાજ જેવા દ્રશ્યો જોવા મળે છે.