વિદ્યાનગરઃ આરબ દેશ બહેરીનના મનામામાં બીજીથી છઠ્ઠી ડિસેમ્બેર દરમ્યાન એશિયાના 30 દેશો વચ્ચે વિવિધ નવ ગેમ્સ માટે ચોથી પેરા એશિયન યૂથ પેરા ગેમ્સ-2021માં 100 મીટર દોડમાં અને 200 મીટર દોડમાં ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થી મીત ટાઢાણીએ ગોલ્ડ મેડલ જીતી રાજ્યનું નહીં, દેશનું નામ રોશન કર્યું છે.
બહેરીન, ભૂતાન, જાપાન, હોંગકોંગ, પાકિસ્તાન નેપાળ, સિંગાપોર, શ્રીલંકા અને UAE સહિત એશિયાના 30 દેશોએ વિવિધ પ્રકારની ક્ષમતા ધરાવતા 750 દિવ્યાંગ યુવાનો વચ્ચે નવ જેટલી રમતોની હરીફાઈ યોજવામાં આવી હતી. આ ચોથા એશિયન યૂથ પેરા ગેમ્સ- રમતોત્સવનું ઉદઘાટન ખાલિદ બિન હમાદ અલ ખલિફાએ બીજી ડિસેમ્બરે કર્યું હતું.
ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થી અને પેરા-રનિંગમાં 100 અને 200 મીટરમાં ગોલ્ડ મેડલ જીતનાર મીત ટાઢાણી વૈશ્વિક સિદ્ધિ મેળવવા બદલ યુનિવર્સિટીના પેટ્રન ઇન-ચીફ અને પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યાં હતા અને શુભકામનાઓ આપી હતી. આ ઉપરાંત તેને યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ ડો. મહેન્દ્ર શર્મા, વાઇસ-ચાન્સેલર અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર ડો. અમિતભાઈ પટેલે અભિનંદન અને શુભકામનાઓ આપી હતી. આ સાથે સ્પોર્ટ્સ અધિકારીએ મીતને બહેરીનથી પરત ફર્યા પછી ઓલિમ્પિક માટે તૈયારી કરવાની અને વધુ ને વધુ ગોલ્ડ મેડલ જીતવા શુભકામના આપી હતી.
ગણપત યુનિવર્સિટી જ નહીં, રાજ્ય અઅને રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય ગૌરવ હાંસલ કરનાર ગોલ્ડ મેડલવિજેતાનું ભવ્ય સ્વાગત કરવા યુનિવર્સિટીના પરિવાર થનગની રહ્યો છે.