શાહે ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ કરાવ્યો

અમદાવાદઃ સોલામાં ઉમિયાધામ શિલાન્યાસનો ત્રિદિવસીય મહોત્સવ શરૂ થયો છે. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના- સોલામાં નવનિર્મિત મા ઉમિયાધામ કેમ્પસમાં શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ 11-13 ડિસેમ્બરના યોજાવાનો છે.

આ શિલાન્યાસ મહોત્સવમાં ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને વિધાનસભ્ય બાબુ જમના પટેલ સહિતના અનેક નેતાઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાયા હતા.

આ ઉમિયાધામ 74,000 ચોરસ વાર જમીન પર અંદાજે રૂ. 1500 કરોડના ખર્ચે મા ઉમિયા ધામનું નિર્માણ થવાનું છે, જેનું ઉદઘાટન સમારંભમાં ગૃહપ્રધાન અમિત શાહને હસ્તે ઉદઘાટન થયું હતું. આ પ્રસંગે શાહે કહ્યું હતું કે આ ભવ્ય મંદિર જ્યારે બની જશે ત્યારે હું જરૂર આવીશ. તેમણે કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન કરવા જનતાને અપીલ કરી હતી. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે પાટીદાર સમાજ શિક્ષિત થયો છે. પાટીદાર સમાજ વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. સેવાની વૃત્તિ પાટીદાર સમાજની છે.

ઉમિયાધામની ખાસિયત

  • વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે 13 માળની બે અલગ-અલગ હોસ્ટેલના બિલ્ડિંગનું નિર્માણ થશે.
  • આ હોસ્ટેલમાં 400થી વધારે રૂમ બનાવામાં આવશે. જેમાં 2000થી વધારે ભાઈ-બહેનો રહી શકશે.
  • ઉમિયા ધામમાં ભોજન અને રહેવાની સુવિધા બનાવાશે.
  • અન્નપૂર્ણા ભવન અને વિશ્રાંતિ ગૃહ આધુનિક બનાવાશે.
  • મેડિકલ સેન્ટરનું નિર્માણ કરાશે.

આ ઉદઘાટન પ્રસંગે ટ્રસ્ટીઓ, સંસ્થાના અગ્રણીઓ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.