રાજ્યમાં ડેંગ્યુ સહિત મચ્છરજન્ય રોગોમાં ભારે ઉછાળો

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક મહિનાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. વાઇરલ ફીવર, ડેન્ગ્યુ,ચિકનગુનિયા ઉપરાંત પાણીજન્ય એવા ટાઇફોઇડ અને કમળા તથા ઝાડા અને ઊલટી જેવા રોગે શહેરને બાનમાં લીધું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો જ વિવિધ રોગના દર્દીઓથી ઊભરાતા હોસ્પિટલોમાં પથારીઓ અને દવાઓનો સ્ટોક વધારવા તંત્રને તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત 12 વર્ષના બાળકનું મોત ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે. 

વડોદરામાં પણ મચ્છરજન્ય રોગ વધ્યા છે. જેને કારણે હોસ્પિટલોમાં લાંબી લાઇન લાગી છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયાના કેસ વધી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો સંખ્યા વધી રહી છે.

અમદાવાદના મધ્ય,પૂર્વ અને દક્ષિણ ઝોન સહિતના અન્ય તમામ ઝોનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ રીતસરની માઝા મૂકી છે. બેવડી ઋતુને લીધે ઘેર-ઘેર વાઇરલ ફીવર ઉપરાંત મેલેરિયા અને ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયાના દર્દીઓ જોવા મળી રહ્યા છે.શહેરમાં વકરી રહેલી રોગચાળાની સ્થિતિ છતાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગ તરફથી રોગચાળાની સાચી આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવતી ના હોવાથી બુધવારે મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. કમિટીના સભ્યોએ બેઠકમાં હાજર એવા હેલ્થના અધિકારીઓ ઉપર પસ્તાળ પાડતાં કહ્યું હતું કે રોગચાળા અંગેની સાચી આંકડાકીય વિગતો જાહેર કરો તો લોકો પણ જાગ્રત રહે.

હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલે જ હેલ્થ વિભાગની નિષ્ફળતાનો પર્દાફાશ કરતાં કહ્યું હતું કે કોર્પોરેશનની એલ.જી. તથા શારદાબહેન હોસ્પિટલમાં રોજના ૨૫૦૦થી 3000 દર્દીઓ ઓ.પી.ડી.માં  સારવાર લેવા આવી રહ્યા છે. શહેરના નદીપારના વિસ્તારોમાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓની ઘણી મોટી સંખ્યા હોવા છતાં તંત્ર સાચી વિગતો જાહેર કરતું ના હોવાનો સભ્યોએ આક્રોશ વ્યકત કર્યો હતો.

બીજી તરફ ગુજરાતનાં ગામડાઓ પણ વાઇરલ તાવના શિકાર બની રહ્યા છે.