‘કોરોનાની બીજી લહેર હજી પૂરી થઈ નથી’

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યું છે કે કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેર દેશમાં હજી સમાપ્ત થઈ નથી અને આગામી તહેવારો વખતે લોકોએ નિયંત્રણોનું પાલન કરવું.

ભૂષણે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રસી લીધા બાદ પણ લોકોએ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું તથા અન્ય કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરવું જરૂરી છે. આપણે જોયું છે કે તહેવારો બાદ કાયમ ચેપ લાગ્યાના કેસોમાં વધારો થાય છે. તેથી સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં આવનારા તહેવારો વખતે આપણે સાવચેતી રાખવાની છે અને જવાબદારી સમજીને ઉજવણી કરવાની છે. કોરોના-પ્રતિરોધક રસી વ્યક્તિને રોગની તીવ્રતા ઘટાડે છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવામાંથી બચાવે છે, પરંતુ રસી લીધા બાદ પણ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જ પડશે તથા અન્ય કોવિડ નિયમોનું પાલન કરવું જ પડશે.