પાલતુ જાનવરો-પક્ષીઓ વેચતી કાયદેસર-દુકાનોની યાદી આપોઃ મુંબઈ-હાઈકોર્ટ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પાલતુ જનાવરો અને પક્ષીઓને વેચતી અસંખ્ય ગેરકાયદેસર દુકાનો ફૂટી નીકળી છે એવી એક ફરિયાદની મુંબઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે રાજ્યમાં કેટલી દુકાનો પાસે પેટ્સ વેચવાની કાયદેસરની પરમિટ છે એની વિગત કોર્ટમાં રજૂ કરો. કોર્ટે આ કેસમાં વધુ સુનાવણી 30 ઓગસ્ટે કરવાનું ઠેરવ્યું છે અને અરજદારને આદેશ આપ્યો છે કે તે એમની અરજીમાં રાજ્ય એનિમલ વેલ્ફેર બોર્ડને પણ એક પક્ષકાર બનાવે.

ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની બેન્ચે શિવરાજ પટને નામના એક નાગરિકે નોંધાવેલી જનહિતની અરજી પરની સુનાવણી વખતે સરકારને આદેશ આપ્યો છે. ગેરકાયદેસર પેટ્સ દુકાનો સામે પગલાં લેવાનો ન્યાયતંત્ર સરકારને આદેશ આપે એવી અરજદારે વિનંતી કરી છે. એમના વકીલ સંજુક્તા ડેએ કોર્ટને કહ્યું કે રાજ્યમાં પાલતૂ જનાવરોને વેચતી ગેરકાયદેસર દુકાનો બંધ કરાવવાનો હાઈકોર્ટે 2019માં આદેશ આપ્યો હતો તે છતાં એવી અસંખ્ય દુકાનો જરૂરી પરવાનગી વગર આજે પણ ગેરકાયદેસર રીતે ધંધા કરી રહી છે. અરજદારે કહ્યું કે મુંબઈના ક્રાફર્ડ માર્કેટ અને કુર્લા વિસ્તારોમાં એવી ગેરકાયદેસર પેટ્સ દુકાનોની તેમણે જાતે મુલાકાત લીધી હતી. એ દુકાનો પ્રતિબંધિત જાતિઓનાં પક્ષીઓ અને ગલુડિયાઓને વેચી રહી છે. ઘણી દુકાનોએ લાઈસન્સ મેળવવા માટે અરજી પણ નોંધાવી નથી.