ધારાવી વિસ્તારના ઘરમાં ગેસ-સિલિન્ડર ફાટતાં 14ને ઈજા

મુંબઈઃ અહીંના માટુંગા (પૂર્વ) ઉપનગરમાં આવેલા ધારાવી વિસ્તારના શાહુ નગરના એક ઘરમાં આજે બપોરે એક ગેસ સિલિન્ડર ફાટવાની દુર્ઘટના થઈ હતી. એમાં 15 જણને ઈજા પહોંચી છે જેમાંના પાંચ જણની હાલત ગંભીર છે. એમાં 8 વર્ષના એક છોકરાનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બે જણ 70 ટકા જેટલા દાઝી ગયાં છે, એમ ડોક્ટરોએ કહ્યું છે.

આ દુર્ઘટના આજે બપોરે લગભગ 12.30 વાગ્યે બની હતી. સિલિન્ડર ફાટતાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં અગ્નિશામક દળના જવાનો તત્કાળ ત્યાં પહોંચી ગયા હતા અને તરત જ આગ બુઝાવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સિલિન્ડર ફાટવાનો અવાજ એવો પ્રચંડ હતો કે આજુબાજુમાં રહેતાં નાગરિકોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો અને સૌએ નાસભાગ કરી મૂકી હતી. ગંભીર રીતે જખ્મી થયેલાઓના નામ છેઃ સતારાદેવી જયસ્વાલ (40), શૌકલ અલી (58), સોનૂ જયસ્વાલ (8), અંજૂન ગૌતમ (28), પ્રેમ જયસ્વાલ (32). અન્ય ઈજાગ્રસ્તોનાં નામ છેઃ રાજકુમાર જયસ્વાલ, અબિના બીબી શેખ, ગુલફાન અલી, અલિના અન્સારી, મોહમ્મદ અબ્દુલ્લા, અસ્મા બાનો, ફિરોઝ એહમદ, ફૈયાઝ અન્સારી, પ્રમોદ યાદવ, અત્તાજામ અન્સારી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]