‘ગાયની સંભાળ માટે પ્રતિદિન રૂ.40ની ચૂકવણી’: કેજરીવાલનું વચન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે પોતાની આમ આદમી પાર્ટી (AAP)ના પ્રચાર માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતાં એમણે કહ્યું હતું કે જો એમની પાર્ટી ગુજરાતમાં ચૂંટણી જીતશે તો રાજ્યમાં પ્રત્યેક ગાયની સંભાળ લેવા માટે પ્રતિદિન રૂ. 40ની રકમ ચૂકવશે. તે ઉપરાંત દરેક જિલ્લામાં દૂધ ન આપી શકનાર ગાય તથા અન્ય ઢોરઢાંખર માટે એક પાંજરાપોળ બનાવશે. કેજરીવાલે કહ્યું કે, ‘દિલ્હીમાં અમે પ્રતિદિન પ્રતિ ગાય દીઠ 40 રૂપિયા આપીએ છીએ. એમાં અમારી દિલ્હી સરકાર 20 રૂપિયા આપે છે અને બીજા 20 રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે. જો ગુજરાતમાં AAP સત્તા પર આવશે તો ગાયોની સંભાળ લેવા માટે પ્રતિદિન પ્રતિ ગાય માટે 40 રૂપિયાની રકમ આપશે.’

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે કેજરીવાલની આ જાહેરાત ગુજરાતમાં શાસક ભાજપ સામેના જંગમાં તેમજ હિન્દુ મતદારોને આકર્ષિત કરવા માટે એક નવો દાવ છે. AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે એમ પણ કહ્યું કે ગુજરાતમાં એમની પાર્ટીના મતો કપાય એ માટે ભાજપ અને વિરોધપક્ષ કોંગ્રેસે હાથ મિલાવ્યા છે.