રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં કલ્પક મણિયારની પેનલનો પરાજય

રાજકોટ: સમગ્ર ગુજરાતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભજપમાં છેલ્લા કેટલાક સમયથી હોટ ટોપિક બનેલી રાજકોટ નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટરોની ચૂંટણીમાં રવિવારે મતદાન બાદ આજે સવારે પરિણામ જાહેર થતાં સંઘનો રાજકોટમાં પાયો નાખનાર મણિયાર પરિવારના કલ્પક મણીયારની આખી સંસ્કાર પેનલનો સફાયો થયો છે.

રાજકોટ નાગરિક બેંક દાયકાઓથી સંઘ અને ભાજપના નેતાઓના માર્ગદર્શન અને વિચારધારાને કેન્દ્રમાં રાખીને ચાલી રહી છે. રાજકોટના પ્રથમ મેયર અરવિંદ મણિયારના પરિવારનો આ બેંક ઉપર દાયકાઓથી દબદબો છે.

રાજકોટ નાગરિક બેંકની 21 ડિરેક્ટર્સની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન કલ્પક મણિયાર અને રાષ્ટ્રીય સહકારી અગ્રણી જ્યોતિન્દ્ર મહેતા વચ્ચે જંગ હતી. મામા અને ભાણેજના આ ચૂંટણી જંગની ચર્ચા આખા ગુજરાતમાં નહિ પણ દિલ્હી સુધી થઈ હતી. કારણકે સંઘ અને ભાજપના જ બે જૂથો સામસામે હતા. મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.

કુલ ૨૧ ડાયરેકટરની ચુંટણીમાં અગાઉ જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલના 6 ઉમેદવારો બિનહરીફ થયા હતા તેમાં ગુજરાત ભાજપ ના સિનિયર નેતા અમદાવાદના સુરેન્દ્ર પટેલ (કાકા)નો પણ સમાવેશ થાય છે. આ ચુંટણીમાં ખુદ કલ્પક મણિયારનું ફોર્મ ટેકનિકલ કારણથી રદ થયું હતું.

રવિવારે રાજકોટ ઉપરાંત જસદણ, જેતપુર, ધોરાજી, સુરત, મોરબી, અમદાવાદ અને મુંબઈમાં મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા તેમાં 96 ટકા જેટલું મતદાન થયું હતું. પરિણામની ભારે ઉત્તેજના વચ્ચે આજે મંગળવારે કલેકટરની હાજરીમાં સવારે મતગણતરી થઈ હતી તેમાં સહકાર પેનલના તમામ 15 ઉમેદવારો વિજય થયા હતા અને હરીફ સંસ્કાર પેનલના તમામ ઉમેદવારોની કારમી હાર થઈ હતી. સહકાર પેનલના દેવાંગ માંકડ સૌથી વધુ 160 મત મળ્યા હતા. અન્ય વિજેતાઓને 150 આસપાસ મત મળ્યા જ્યારે સંસ્કાર પેનલના ઉમેદવારો ને 34 થી 37 જેટલા મત માંડ મળ્યા હતા. ચુંટણી પ્રચારમાં બેંકના કૌભાંડોનો મુદ્દો મુખ્ય રહ્યો હતો.

દેવેન્દ્ર જાની (રાજકોટ)
નિશુ કાચા (તસવીર)