અમદાવાદઃ રિલાયન્સ રિટેલના બીટા ઓનલાઇન કન્ઝ્યુમર ગ્રોસરી પ્લેટફોર્મ જિયો માર્ટની એપ હવે ગૂગલ પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. જિયોમાર્ટ એપ લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી 10 લાખથી પણ વધુ યુઝર્સે ડાઉનલોડ કરી છે. આમ શોપિંગ કેટેગરીમાં જિયોમાર્ટ ટોચની ત્રણ એપ્સમાં સ્થાન પામી ચૂકી છે. એપ એની મુજબ એપલ એપ સ્ટોરમાં તે બીજો રેન્ક ધરાવે છે અને ગૂગલ પ્લે સ્ટોરની શોપિંગ કેટેગરીમાં તે ત્રીજા સ્થાને છે.
દૈનિક ધોરણે 2.5 લાખ ઓર્ડર
રિલાયન્સની જિયોમાર્ટ પર સમગ્ર દેશમાંથી રોજના 2.5 લાખ ઓર્ડર પ્રાપ્ત થાય છે અને આ આંકડો દરરોજ વધી રહ્યો છે. માર્ચના અંતભાગમાં jiomart.comનું બીટા વર્ઝન દેશનાં 200 શહેરો અને ટાઉન્સ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં જિયોમાર્ટ પ્લેટફોર્મની ઉપલબ્ધતા ડિજિટલ શોપિંગની પદ્ધતિને મુક્ત બજારની પરિભાષામાં પરિવર્તિત કરી રહ્યું છે. તેમાં ટાયર-II અને ટાયર III કક્ષાના સંખ્યાબંધ નગરોમાં ઓનલાઇન ઓર્ડરિંગ સેવા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જ્યાં ગ્રાહકો પહેલી વાર ગ્રોસરી, ફળફળાદિ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓઓની ઓનલાઇન ખરીદી રહ્યા છે અને ઘરેબેઠા ડિલિવરી મેળવવાનો અનુભવ મેળવી રહ્યા છે.
15થી વધુ શહેરોમાં જિયોમાર્ટની સેવાઓ ઉપલબ્ધ
ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીધામ, નવસારી, જૂનાગઢ, વાપી, જામનગર, હિંમત નગર, ભૂજ, આણંદ, નડિયાદ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર અને અન્ય શહેરો મળી 15થી વધુ શહેરોમાં જિયોમાર્ટની સેવાઓ ઉપલબ્ધ છે. ગ્રાહકો સરળતાથી ખરીદીનો અનુભવ લઈ શકે તે માટે એપને તૈયાર કરવામાં આવી છે.
જિયોમાર્ટ ગ્રાહકોને સરળ અને ઉચ્ચ ગુણવત્તાનો શોપિંગ અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ
હાલમાં જ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે જિયોમાર્ટ હવે તેની ભૌગોલિક પહોંચ અને ડિલિવરી ક્ષમતાને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જિયોમાર્ટ ગ્રાહકોને સરળ અને ઉચ્ચ ગુણવત્તાનો શોપિંગ અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. ગ્રોસરી ઉપરાંત જિયોમાર્ટ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ઉત્પાદનોને તેના પ્લેટફોર્મ પર લઈ આવવા માટેની તૈયારી કરી રહ્યું છે. આવનારાં વર્ષોમાં અમે વધુ ને વધુ શહેરોનો ઉમેરો કરીશું, સમગ્ર દેશમાં વધુ ને વધુ ગ્રાહકો સુધી પહોંચીશું અને વધુ ને વધુ કેટેગરીનો ઉમેરો કરતાં રહીશું.
ગ્રાહકોને ચુકવણી માટે વિવિધ વિકલ્પો
આ ઉપરાંત જિયોમાર્ટ તેના ગ્રાહકોને ચૂકવણી માટે વિવિધ વિકલ્પો આપી રહ્યું છે. નેટ બેન્કિંગ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્ઝ, આરવન લોયલ્ટી પોઇન્ટ્સ અને કેશ ઓન ડિલિવિરી વગેરે… એ સાથે તાજેતરમાં જ સોડેક્સો મિલ કૂપનનો વિકલ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે અને હમણાં જ કેશબેક ઓફર સાથે ક્રેડિટ કાર્ડ અને વોલેટ્સના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.
સતત નવા ઉત્પાદનો, ફીચર્સ, બ્રાન્ડ્સ અને વરાઇટી ઉપલબ્ધ
જિયોમાર્ટ દરરોજ અને સતત નવાં ઉત્પાદનો, ફીચર્સ, બ્રાન્ડ્સ અને વરાઇટી ઉપલબ્ધ કરાવી રહ્યું છે, તેના દ્વારા ગ્રાહકો જ્યારે-જ્યારે આ પ્લેટફોર્મ્સ પર આવે છે ત્યારે તેમને શોપિંગનો નવો જ અનુભવ કરે છે. પર્સનલ કેર પ્રોડક્ટ્સ, હોમ અને કિચન કેર પ્રોડક્ટ્સ, પૂજાનો સામાન, શૂ કેર, બેબી કેર પ્રોડક્ટ્સ, બ્રાન્ડેડફૂડ્સ સહિતની કેટેગરીમાં અસંખ્ય વિકલ્પો મળે છે. સ્માર્ટ સ્ટોર પ્રાઇસ પ્રોમિસ હેઠળ જિયોમાર્ટ તમામ ઉત્પાદનો પર લઘુતમ પાંચ ટકા ડિસ્કાઉન્ટ સાથે આકર્ષક કિંમતો ઓફર કરે છે.
2024 સુધીમાં 50 ટકા બજાર હિસ્સો
ગોલ્ડમેન સાશ તેના અહેવાલમાં ટાંકે છે કે “અમે માનીએ છીએ કે ફેસબુક સાથેની સમજૂતીથી RIL ઓનલાઇન ગ્રોસરી ક્ષેત્રે બજાર અગ્રણી બની શકે છે, જેમાં વર્ષ 2024 સુધીમાં 50 ટકા બજાર હિસ્સો મેળવી શકે છે.