શામળ પટેલ જીસીએમએમએફના નવા અધ્યક્ષ

ગુજરાત: ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેનપદે શામળભાઈ બી. પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેનપદે વલમજીભાઈ હુંબલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

શામળભાઈ બી. પટેલ

અમૂલ ફેડરેશનના ચેરમેનની ચુંટણી આણંદ ડેપ્યુટી કલેકટરની હાજરીમાં થઇ હતી અને તેમાં અમૂલ ફેડરેશનના ૧૮ સભ્ય દૂધ સંઘોના તમામ ચેરમેનો હાજર રહ્યા હતા. અમૂલ ફેડરેશન એ વર્ષ ૧૯૭૩થી ચેરમેનપદની વરણી બિનહરિફ રીતે થતી આવે છે તે પ્રણાલિકાને પુન: જાળવી રાખી છે.

વાલમજીભાઈ હુંબલ

મહત્વનું છે કે, અમૂલ ફેડરેશન ભારતની રૂા.૩૮,૫૪૨ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ખાદ્ય ઉત્પાદનોની માર્કેટીંગ વ્યવસ્થા સંભાળતી ટોચની સંસ્થા છે કે જેના ધ્વારા “અમૂલ”  બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની વિવિધ બનાવટોની વિશાળ શ્રેણીનું માર્કેટીંગ તેમજ વિતરણ કરવામાં આવે છે. અમૂલ ફેડરેશન તેના સભ્ય સંઘો દ્વારા રાજ્યના ૧૮,૫૬૨ થી વધુ ગામડાંઓમાંથી ૩૬ લાખ દૂધ ઉત્પાદકો પાસેથી સરેરાશ ૨૪૦ લાખ લિટર દૂધ પ્રતિદિન એકત્રિત કરે છે.

શામળભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સાબરડેરીના ચેરમેન છે અને ડેરી સહકારી માળખા સાથે પાછલાં ૩૦ વર્ષથી કાર્યરત છે. સાબરકાંઠા દૂધ સહકારી સંઘ રૂા.૫૭૦૦ કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર તેમજ ૩.૮૦ લાખ દૂધ ઉત્પાદક સભ્યો સાથે રાજ્યના મોટા દૂધ ઉત્પાદક સંઘમાનો એક એકમ છે. ગુજરાતમાં સહકારી ડેરી માળખું પાછલા ૭૦થી વધુ વર્ષથી સફળ છે.