અને જ્યારે સિવિલ હોસ્પિટલના હ્રદય પર જ ઘા થયો…

અમદાવાદ: ૨૬ જુલાઈ’ ૨૦૦૮ સિવીલ હોસ્પિટલમાં પણ બોંબ બ્લાસ્ટ થયો હતો. એ ગોઝારો દિવસને  સૌ ભૂલવા માંગે છે, પરંતુ ભૂલી શકાય તેમ નથી. બેશક આપત્તિને ભૂલીને કે બાજુમાં રાખીને ઝડપથી બેઠા થવાનો ‘ગુજરાત’નો સ્વભાવ છે. ગુજરાતના આ ‘સ્વભાવ’નો ‘પ્રભાવ’ સિવિલ હોસ્પિટલમાં પણ દેખાય છે. ગુજરાત કે દેશની જ નહીં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સિવીલ હોસ્પિટલમાં સરેરાશ રોજના હજારો દર્દીઓ આવે છે.

વર્ષ ૨૦૦૮થી ૨૦૨૦ સુધીના આ ૧૨ વર્ષમાં સિવીલ હોસ્પિટલમાં કુલ ૯૫,૬૦,૮૨૫ દર્દીઓએ સારવાર લીધી છે. જેમાં OPD દર્દી તરીકે ૮૩,૭૩,૫૪૬ તથા IND તરીકે ૧૧,૮૭,૨૭૯ દર્દીઓનો સમાવેશ થાય છે.

સિવીલ હોસ્પિટલમાં આજે પણ ફરજ બજાવતા એ ઘટનાના સાક્ષી મુકેશભાઈ પટણી કહે છે કે, ‘ બોંબ ધડાકાને પગલે હોસ્પિટલનો તમામ સ્ટાફ જે તે સ્થિતિમાં જ્યાં હતો ત્યાંથી માત્ર ૧૫ મિનિટમાં જ ફરજ પર દોડી આવ્યો હતો. એક એક બેડ પર ૧૦-૧૫ ડોકટરો સેવા માટે પ્રયત્નશીલ હતા. દર્દીઓ પ્રત્યેની સિવીલ હોસ્પિટલની આ સેવા આજે પણ એટલી જ ત્વરાથી-સંવેદનાથી ચાલુ છે. તેમાં ક્યારેય ઓટ નથી આવી.’

આ વિસ્તારના એક સમાજસેવક દિનેશભાઈ દૂધાત કહે છે કે, આખા અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. હું સિવીલ હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવા આવ્યો હતો. હું ધનવંતરી હોસ્પિટલની એમ્બ્યુલન્સ લઈ દર્દીઓને સિવીલ હોસ્પિટલ લાવ્યો હતો. સિવીલ ટ્રોમા સેન્ટર પહોંચી અને દર્દીઓને એમ્બ્યુલન્સમાંથી ઉતારી રહ્યા હતા ત્યાં જ બોમ્બ ધડાકાનો અવાજ આવ્યો. અસંખ્ય લોકો ઘાયલ થયા હતા કોઈના અંગો જુદા પડી ગયા હતા, તો કોઈના પરિવાર. એ દ્રશ્યો ઓછામાં ઓછા એક વર્ષ સુધી તો મારા મન-મગજમાંથી ખસતા જ નહતા. આજે પણ એ દ્રશ્યો યાદ આવતા કંપારી છુટી જાય છે. પણ કદાચ સિવીલ હોસ્પિટલમાં દર્દીઓ પ્રત્યેની સેવા સુશ્રુષાએ જ અમારા ઘા પર રૂઝ લાવી દીધી છે. મને પણ એ વખતે ઈજા થઈ હતી પણ દર્દીઓની સેવામાં મારી ઈજા પ્રત્યે મારુ ધ્યાન જ નહતુ ગયુ.

હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડો. પ્રભાકર કહે છે કે,  ટ્રોમા સેન્ટર એટલે સિવીલનું હાર્ટ ( હ્રદય) છે તેના પર જે પાશવી ઘા થયો હતો એ અમે ના ભુલી શકીએ. જો કે હ્રદયના એક ખુણે એ ઘટનાના તાંણાવાણાને દબાવીને સિવીલ હોસ્પિટલે દર્દીઓ પ્રત્યેની સેવા સુશ્રુષાને વધુ ત્વરિત અને સંવેદનશીલ બનાવી છે. એ માનવસર્જિત આપત્તિ હતી… અને અત્યારે કોરોના સ્વરૂપે કૂદરતી આપત્તિ આવી છે તો પણ હોસ્પિટલના એક-એક તબીબ- નર્સ-પેરા મિડીકલ સ્ટાફ જાણે પોતાના સ્વજન હોય તેવા ભાવથી દર્દીઓની સેવા કરી રહ્યા છે…અમારી સેવા-સુશ્રુષા કે સંવેદનામાં ક્યારેય ઓટ નથી આવી.

સિવીલના હાલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.જે.પી.મોદી કહે છે કે, એક ડોક્ટર માટે દર્દી કોણ છે? એ મહત્વનું નથી હોતુ દર્દીને શું દર્દ છે એ જ એના માટે મહત્વનું હોય છે. અને દર્દીનું દર્દ ઓછુ કરવા જે કરવું પડે એ જ એની પવિત્ર ફરજ હોય છે. જો કે આજથી ૧૨ વર્ષ પહેલા બનેલી ઘટના કંઈ નાનીસુની તો નહતી જ એ ઘટના સમયે મેં પણ મારો પ્રિય વિદ્યાર્થિ ડૉ. પ્રેરક અને તેની ગર્ભવતી પત્ની ગુમાવ્યા છે. એનો વસવસો કાયમ રહેશે જ…સામાન્ય રીતે આવી ઘટનાઓ બહાર બનતી રહેતી હોય છે પણ હોસ્પિટલ પર આતંકી હુમલો કદાચ સૌ પ્રથમ વખત થયો હતો. ઘાયલોની સેવા કરનારાઓને જ ઘાયલ કરવાની એ પેરવી હતી…કદાચ અમારામાં પણ એ વખતે ધૃણા આવી હશે… પણ અમારી સંવેદના એ ધૃણા પર હાવી થઈને હજી અકબંધ ટકી રહી છે… કોરોનાના દર્દીઓ પ્રત્યેની એ સંવેદના જ અમને જીવંત રાખી રાખી રહી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]