ડેરી સહકારી મંડળીઓનું મધમાખી ઉછેર સાથે એકીકરણ

કેન્દ્રીય મંત્રી તોમરે આણંદ ખાતે NDDBમી હની ટેસ્ટિંગ લેબોરેટરીનું
ઉદઘાટન કર્યું

આણંદઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે 24 જુલાઈએ આણંદમાં આવેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) ખાતે પશુપાલકો માટે હાઈ-ટેક હની ટેસ્ટિંગ લેબોરેટરી અને બીકીપિંગ ટ્રેનિંગ પ્રોગ્રામનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતો કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી ડો. સંજીવકુમાર બાલયાન, કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી, લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ, ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ સંજય અગ્રવાલ, એનડીડીબીના ચેરમેન દિલીપ રથ અને એનડીડીબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મીનેશ શાહ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

એનડીડીબી સંલગ્ન પ્રવૃત્તિઓ મારફતે ખેડૂતોની આવકને વધારવાના માટે પ્રતિબદ્ઘ છે. આ વિશ્વસ્તરીય હની ટેસ્ટિંગ ફેસિલિટીનું નિર્માણ તેની મલ્ટી-ડિસિપ્લિનરી લેબોરેટરી સીએએલએફ (ઈઅજઊ)ના એક હિસ્સા તરીકે કરવામાં આવ્યું છે. તે દેશની એકમાત્ર અધિકૃત લેબોરેટરી છે, જે અત્યંત જટિલ વિશ્લેષ્ણાત્મક સાધનો અને વેટ કેમિકલ એનાલીસિસનો ઉપયોગ કરી પ્રમાણિકતા પરીક્ષણ હાથ ધરીને ૧ જુલાઈ, ૨૦૨૦ના રોજના એફએસએસએઆઈના તાજેતરના નિયમો મુજબ, મધના નમૂનાઓનું પરીક્ષણ કરી શકે છે. એનએબીએલની માન્યતા પ્રાપ્ત આ લેબોરેટરી બીઆઈએસ, એગમાર્ક, કોડેક્સના માપદંડો તથા જંતુનાશકો, એન્ટિબાયોટિક્સ, ભારે ધાતુઓ અને વેટ કેમિકલ ટેસ્ટિંગને આવરી લઈ એક્સપોર્ટ ઈન્સપેકશન કાઉન્સિલના રેસિડ્યૂ મોનિટરિંગ પ્લાન (આરએમપી)ની જરૂરિયાતો મુજબ પણ મધનું પરીક્ષણ કરી શકે છે.

કેન્દ્રીય મંત્રી તોમરે એનડીડીબી સાથે સહયોગ સાધવા અને આણંદ ખાતે આ વિશ્વસ્તરીય હની ટેસ્ટિંગ ફેસિલિટીને સફળતાપૂર્વક સ્થાપવા બદલ મંત્રાલયના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા. એમણે કહ્યું કે આપણે મધમાખી ઉછેરના લાભ, ખેતી અને ખેડૂતોની આવક પર તેના પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. મધના ઉત્પાદન દ્વારા પેદા થતી આવક દેશના જીડીપીમાં યોગદાન આપશે. ભારત સરકાર ખેડૂતોની આવકને બમણી કરવા પ્રતિબદ્ધ છે. તોમરે મહિલાઓને પ્રોત્સાહન આપવાની સાથે મધમાખીપાલકોની આવકનું સર્જન કરવા અને તેમનું ક્ષમતાનિર્માણ કરવા સહિત મધમાખી ઉછેર સંબંધિત આંતરમાળખાનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર ભારત હેઠળ ભારત સરકારના રૂ. 500 કરોડના મધમાખી ઉછેર પહેલ ફંડનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો વિકાસ થવાથી ભારતના ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન થશે અને તે ખેડૂતોની આવકમાં વધારો કરવાની પણ ક્ષમતા ધરાવે છે. મધમાખી ઉછેર ક્રોસ પોલિનેશન મારફતે દેશમાં કૃષિ અને બાગાયતી પાકોની ઉપજમાં વધારો કરવામાં એક ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. સપ્લાયરો આર્થિક લાભ મેળવવા માટે અનૈતિક વ્યવહારમાં સંકળાયેલા હોઈ આજે મધની શુદ્ધતા એ ખૂબ જ ગંભીર મુદ્દો બની ગયો છે. એનડીડીબી ખાતેની આ ટેસ્ટિંગ ફેસિલિટી નિયમનકારી જરૂરિયાતોને પૂરી કરી ઘરેલુ વપરાશ અને નિકાસ માટે ગુણવત્તાસભર મધનું ઉત્પાદન કરવામાં મધમાખી ઉછેર કરનારા ખેડૂતો, સહકારી મંડળીઓ અને મધનું ઉત્પાદન કરનારા ઉદ્યોગોને મદદરૂપ થશે.

દિલીપ રથે કહ્યું કે એનડીડીબી-એનબીબી સાથે મળીને દેશમાં ડેરી સહકારી મંડળીઓના નેટવર્કનો ઉપયોગ કરી ખેડૂતોમાં મધમાખીઓના વૈજ્ઞાનિક રીતે ઉછેરને પ્રોત્સાહન આપવાની ઝુંબેશ શરૂ કરી છે. આ અત્યાધુનિક લેબોરેટરીને કૃષિ મંત્રાલયની આર્થિક સહાય વડે સ્થાપવામાં આવી છે અને મધનું પરીક્ષણ કરવાની તમામ સુવિધાઓ હવે એક જ સ્થળે ઉપલબ્ધ છે. વડાપ્રધાને દેશમાં મધ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની અને શ્વેત ક્રાંતિની જેમ ‘સ્વીટ રિવોલ્યૂશન’ લાવવાની અપીલ કરી છે.

ડેરી સહકારી મંડળીઓ ડેરી ઉદ્યોગને સમકક્ષ મધ માટે પણ મૂલ્ય શ્રુંખલાની સ્થાપના કરી શકે છે. બનાસકાંઠા (ગુજરાત), સુંદરબન (પશ્ચિમ બંગાળ) અને મુઝફ્ફરપુર (બિહાર)ની દૂધ મંડળીઓ મધ ખરીદવા અને વેચાણ માટે તેમના આંતરમાળખાનો ઉપયોગ કરે છે અને બનાસ, સુધા અને સુંદરિની જેવી બ્રાન્ડ્સ તેના ગ્રાહકોને ગુણવત્તાયુક્ત મધ પૂરું પાડી શકે છે. નેશનલ બી કીપિંગ એન્ડ હની મિશન એ આત્મનિર્ભર ભારતનું એક મહત્ત્વનું અંગ છે અને એનડીડીબી આ કાર્યક્રમ પ્રત્યે પ્રતિબદ્ધ છે. એને અમલીકરણ કરનાર એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]